- આવકનો સ્ત્રોત ગુમાવતા પરિવાર ભાંગી પડ્યો, સ્થાનિકોએ પોલીસ ફરિયાદ નોંધાવી
વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગઇકાલથી પડી રહેલા વરસાદ અને ભારે પવનના કારણે ક્યાંક નાનું મોટું નુકસાન થયું હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. ગત રાત્રે પડેલા વરસાદ અને પવનના કારણે શહેરના નવાયાર્ડ વિસ્તારમાં દીવાલ ધરાશાયી થતા ત્રણ સ્કૂલ-વાન દટાઈ હતી. જેના કારણે વાહન માલિકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ શહેરમાં પવનના કારણે હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયા છે.
આ અંગે સ્થાનિક વિજય જાધવે જણાવ્યું હતું કે, ગત રોજ શહેરમાં પડી રહેલા વરસાદના કારણે શહેરના નવાયાર્ડ વિસ્તારમાં ફતેગંજ પોલીસ મથકની સામે રોઝરી ગાર્ડન આવેલો છે. તેની પાછળની જે દીવાલ હતી, તે વરસાદના કારણે ધરાશાયી થઈ છે. જેના કારણે ત્યાં નીચે ઉભી રહેલી 3 થી 4 ગાડીઓ દટાઈ છે. આ દીવાલ અંગે સ્થાનિક રહીશો દ્વારા અગાઉ વારંવાર રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ આ દિવાલ ન હટાવતા આખરે વરસાદના કારણે ધરાશાયી થઈ છે. જેમાં ફોરવ્હિલર ગાડીઓને નુકસાન થયું છે.
વધુમાં જણાવ્યું હતું કે, આ દુર્ઘટના ઘટી છે તે કોઈની નિષ્કાળજીના કારણે ઘટી છે. અહીં દટાયેલા વાન દ્વારા પોતાના પરિવારનું ગુજરાન ચાલતું હતું. જે પરિવાર આજે ભાંગી પડ્યો છે. આજે આ ત્રણ ગાડીઓ દટાઈ છે જે તમામ સ્કૂલ-વાન છે. આજે પરિવારના ગુજરાન ચલાવતા આ વાન ચાલકો પર આફત આવી છે. આ રીતે નિષ્કાળજી સામે આવી છે. આ જમીન માલિકની કોઈ માગ ન સ્વીકારતા આ દીવાલ અંગે કોઈ નિર્ણય લેવાયો ન હોય તેવું હોઈ શકે. અહીંના સ્થાનિકોએ આ અંગે પોલીસ ફરિયાદ કરી છે અને પોલીસ આવી કાર્યવાહી કરશે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર અને જિલ્લામાં ગત સવારે આઠ વાગ્યાથી આજે સવારે આઠ વાગ્યા સુધીમાં 15 મિમીથી લઇ 40 મિમી સુધી વરસાદ ખાબક્યો છે. જેમાં વડોદરામાં 31મિમી, ડભોઇ 19 મિમી, શિનોર 40 મિમી, વાઘોડિયા 22 મિમી, કરજણ 26 મિમી, સાવલી 15 મિમી, પાદરા 29 મિમી, ડેસર 18 મિમી વરસાદ નોંધાયો છે. આજે વહેલી સવારે શહેરમાં વાતાવરણ વાદળછાયું હતું, પરંતુ બપોરે શહેરમાં વાતાવરણ ખુલ્લું થયું છે.