પાદરા રોડ પર નિવૃત્ત રેલવે સુપ્રિટેન્ડેન્ટ પાસેથી કેશ કલેક્શનના રૂા.12 લાખ લૂંટી 3 લૂંટારુ ફરાર

જયકિશન લોકવાણી ફાઇનાન્સ કપનીઓમાંથી કેશ કલેક્શન કરી પરત ફરી રહ્યા હતા

MailVadodara.com - 3-robbers-absconding-after-robbing-Rs-12-lakh-of-cash-collection-from-retired-railway-superintendent-on-Padra-Road

- જયકિશન લોકવાણી નિવૃત્તી બાદનો સમય પસાર કરવા માટે ફિનો પેમેન્ટ બેંકમાં સબ એજન્ટ તરીકે કામ કરતા પુત્ર વિશાલને પંદર દિવસથી મદદરૂપ થતા હતા

- પાદરા રોડ ઉપર બાન્કો કંપની પાસે બનેલા બનાવ અંગે જે.પી. રોડ પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના આધારે વધુ તપાસ હાથ ધરી

કેશ કલેક્શનના એજન્ટ તરીકે કામ કરતા પુત્રને મદદરૂપ થવાના ભાગરૂપે કલેક્શનના નાણાં લઇ પરત ફરી રહેલા નિવૃત્ત રેલવે ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ પાસેના રૂપિયા 12 લાખની લૂંટ ચલાવી ત્રણ લૂંટારુ ફરાર થઇ ગયા હતા. પાદરા રોડ ઉપર બાન્કો કંપની પાસે રાત્રે બનેલા આ બનાવ અંગે જે.પી. પોલીસે તપાસ હાથ ધરી છે.

મળેલી માહિતી પ્રમાણે શહેરના ખોડીયાર નગરમાં એફ-402માં જયકિશન ગીરધારીલાલ લોકવાણી (ઉં.વ.57) પરિવાર સાથે રહે છે. તેઓ માર્ચ-2023માં વડોદરા રેલવેમાં ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ તરીકે નિવૃત્ત થયા હતા. તેમનો પુત્ર વિશાલ છેલ્લા પાંચ માસથી ફિનો પેમેન્ટ બેંકમાં સબ એજન્ટ તરીકે કામ કરે છે. તેનું કામ પાદરા તાલુકામાં આવેલી નાની-મોટી ફાઇનાન્સ કંપનીઓમાંથી કેશ કલેક્શનનું કામ કરવાનું હોય છે. રૂપિયા 1 લાખ ઉપર રૂપિયા 100 કમિશન આપવામાં આવે છે.

જયકિશન લોકવાણી નિવૃત્તી બાદનો સમય પસાર કરવા માટે ફિનો પેમેન્ટ બેંકમાં સબ એજન્ટ તરીકે કામ કરતા વિશાલને છેલ્લા પંદર દિવસથી મદદરૂપ થતા હતા. માસની શરૂઆતથી દસ દિવસમાં એવરેજ રૂપિયા 15 લાખ જેટલું કલેક્શન થતું હોય છે. તારીખ 7 માર્ચના રોજ જયકિશન લોકવાણી નાની નાની ફાઇનાન્સ કંપનીઓમાંથી રૂપિયા 12 લાખ જેટલું કલેક્શન કરીને બેગમાં મુકી પોતાની એક્ટીવા ઉપર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પાદરા રોડ બાન્કો કંપની પાસે 30થી 35 વર્ષની ઉંમરના ત્રણ યુવાનો રસ્તા ઉપરથી ચાલતા પસાર થતા જયકિશન લોકવાણીએ પોતાની એક્ટીવા મોપેડ ધીમું પાડી હોર્ન વગાડ્યો હતો. જયકિશને એક્ટીવા ધીમું પાડતા જ રોડ ઉપર ચાલતા પસાર થઇ રહેલા ત્રણ યુવાનો પૈકી એક યુવાને એક્ટીવા મોપેડનું હેન્ડલ પકડી લીધું હતું. બીજા બે યુવાનોએ જયકિશન લોકવાણીએ ખભા ઉપર રૂપિયા 12,07,536 મુકેલ બેગ લઇ રોડની સાઇડની ઝાડીમાં ફરાર થઇ ગયા હતા.

રેલવેમાંથી ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ તરીકે નિવૃત્ત થયેલા જયકિશન લોકવાણીએ રૂપિયા 12 લાખ રોકડ લૂંટી ફરાર થઇ ગયેલા ત્રણે યુવાનોનો પીછો કર્યો હતો. પરંતુ, ત્રણે લૂંટારુ થોડે દૂર મુકેલ મોટર સાઇકલ ઉપર અટલાદરા તરફ ફરાર થઇ ગયા હતા. દરમિયાન આ અંગે જયકિશન લોકવાણીએ 100 નંબર ઉપર પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસ દોડી આવી હતી.

દરમિયાન જે.પી. પોલીસે જયકિશન લોકવાણીની ફરિયાદના આધારે ત્રણ અજાણ્યા લૂંટારુઓ સામે લૂંટનો ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે. શુક્રવારે રાત્રે 9 વાગ્યાના સુમારે બનેલા લૂંટના આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી. જે.પી. પોલીસે લૂંટનો ભેદ ઉકેલવા માટે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર બનાવની પ્રાથમિક તપાસમાં ઘટનાને અંજામ આપનાર ત્રણેય ઈસમો જાણભેદુ હોવાનું આશંકા છે. કારણ કે ફરિયાદી જે ફાઈનાન્સ કપનીઓ કેશ કલેકશન કરે છે તેમાં મહિનાની 1 થી 10 તારીખ દરમિયાન સૌથી વધુ એટલે કે, રૂપિયા 10થી 15 લાખનું કલેકશન થતું હોય છે. જેથી આ દરમિયાન જ આરોપીઓએ લૂંટ કરવાનો પ્લાન ઘડ્યો હતો. 3 લૂંટારુઓ પૈકી એકે લૂંટારુંએ ઓરેન્જ કલરની અડધી બાયનું ટી શર્ટ પહેર્યું હતું અને આછી દાઢી રાખી હતી. જ્યારે અન્ય બે ઈસમો વ્હાઈટ કલરના શર્ટ પહેરેલ હતા. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા ચકાસી તેની વિગતો મેળવી આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો આદર્યા છે.

Share :

Leave a Comments