સયાજીગંજ પોલીસ સ્ટેશનના ૩ પોલીસ કર્મીએ લારી ચલાવતા યુવકને માર માર્યો, વાન સાથે 2 કિમી ઢસડ્યો

સયાજીગંજ પોલીસની દાદાગીરીની ઘટના સામે આવી..?!!

MailVadodara.com - 3-police-personnel-of-Sayajiganj-police-station-beat-up-a-youth-driving-a-lorry-fell-2-km-with-the-van

- આમલેટની લારી બંધ કરી તેના બેથી ત્રણ મિત્રો સાથે લારી પાસે બેઠો હતો

- પરિવારજનોનો આક્ષેપ છે કે, ફૈઝાનને પોલીસ કર્મીઓએ પોલીસ વાનની સાથે ઢસડ્યો હતો જેના કારણે તેની હાલત ગંભીર છે, યુવકને ICUમાં દાખલ કરાયો

- પોલીસ ફરિયાદ થયા બાદ પણ આરોપી પોલીસકર્મીઓના નામ જાહેર કરાયા નથી


વડોદરા શહેરની સયાજીગંજ પોલીસની દાદાગીરીની ઘટના સામે આવી છે. વડોદરા રેલવે સ્ટેશન પાસે આમલેટની લારી ચલાવતા યુવકને સયાજીગંજ પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ સહિત ત્રણ કર્મચારીઓએ ઢોર માર મારતા ચકચાર માચી ગઈ છે. પરિવારજનોનો આક્ષેપ છે કે, ફૈઝાનને પોલીસ કર્મીઓએ પોલીસ વાનની સાથે ઢસડ્યો હતો. જેના કારણે તેની હાલત હાલ ગંભીર છે. ખાનગી હોસ્પિટલમાં ICUમાં દાખલ છે. સયાજી હોસ્પિટલમાં નોંધાયેલી વર્દીમાં લખવામાં આવ્યું છે કે, યુવકને પોલીસ વાન વડે બે કિલોમીટર સુધી ઢસડવામાં આવ્યો હતો.


વડોદરા શહેરમાં પોલીસકર્મીઓએ યુવકને ઢોર માર માર્યો હોવાની માહિતી મળતા ડીસીપી, એસીપી અને પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ મામલે પોલીસ ફરિયાદ પણ થઈ ગઈ છે. જોકે, પોલીસકર્મીઓએ યુવકને માર્યો હોવાથી સયાજીગંજ પોલીસ દ્વારા આ બાબતે કોઈપણ પ્રકારની માહિતી ન આપીને સમગ્ર ઘટનાને છુપાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. પોલીસ ફરિયાદ થઈ ગયા બાદ પણ આરોપી પોલીસકર્મીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી. સામાન્ય કેસમાં પોલીસ દ્વારા પ્રેસનોટ જાહેર કરીને આરોપીઓના નામ આપવામાં આવે છે, પરંતુ અહીં પોલીસકર્મીઓ જ આરોપી હોવાથી આરોપીઓના નામ જાહેર કર્યા નથી.

ઈજાગ્રસ્ત થયેલા મોહમ્મદ ફૈઝાનના ભાઈ મોહમ્મદ મુમતાઝે જણાવ્યા મુજબ, ગઈકાલે રાત્રે 11 વાગે મારા ભાઈએ આમલેટની લારી બંધ કરી દીધી હતી. તેના બેથી ત્રણ મિત્રો સાથે લારી પાસે બેઠો હતો. આ સમયે સયાજીગંજ પોલીસ સ્ટેશનના બે પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઇવર પોલીસ પાન સાથે આવ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલે મારા ભાઈને 20થી 25 દંડા માર્યા હતા.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ત્યાર બાદ મારા ભાઈની બોચી પકડીને પોલીસ વાન સાથે ઢસડ્યો હતો. જેમાં મારા ભાઈને ગંભીર ઇજાઓ પહોંચી છે. મારો ભાઈ લોહી લુહાણ થઈ ગયો હતો. ત્યાર બાદ પોલીસકર્મીઓ ત્યાંથી ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા અમે પહોંચી ગયા હતા અને મારા ભાઈને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં એક પોલીસ અધિકારીએ અમને કહ્યું હતું કે, તમારા ભાઈને ખાનગી હોસ્પિટલમાં લઈ જાઓ જે પણ ખર્ચ થશે તે અમે આપીશું. જોકે અહીં ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા બાદ કોઈ પોલીસ અધિકારી ફરક્યા પણ નથી. અહીં અમારી પાસે 1 લાખ રૂપિયા માંગવામાં આવ્યા છે. અમારી માંગણી છે કે, મારા ભાઈને માર મારનાર પોલીસકર્મી સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને મારા ભાઈની સારવારનો ખર્ચ પણ આપવો જોઈએ.

DCP સયાજીગંજ પોલીસના કર્મચારીઓએ યુવકને બેરહેમીપૂર્વક માર મારતા યુવક હાલ ICUમાં દાખલ છે અને પરિવારજનો ચિંતિન બન્યા છે. સમગ્ર ઘટના અંગે સયાજીગંજ પોલીસ પણ માહિતી ન આપીને ઢાંકપીછોડો કરી રહી હોવાનું સામે આવ્યું છે. આ મામલે DCP જુલી કોઠીયાએ જણાવ્યું હતું કે, યુવકને માર મારવાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સયાજીગંજ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે રેસ્ટોરન્ટ ચલાવતા વેપારીઓને હેરાન કરવામાં આવે છે. જેના કારણે વ્યાપારીઓ ત્રસ્ત થઈ ગયા છે.

Share :

Leave a Comments