વડોદરા શહેરના નિલામ્બર સર્કલ પાસે એક કાર ચાલક વેપારીને એક સગીર સહિત ત્રણ શખ્સોએ માર માર્યો હતો. જેમાં વેપારીના ચાર દાંત પણ પડી ગયા હતા. વેપારી ઇજાગ્રસ્ત થતાં તેઓને સારવાર તેઓ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગોત્રી પોલીસે ત્રણ યુવકો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરાના વેપારી જાબરમલ ધનારામ કુમાવત (ઉ.63) એ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું પોર ખાતે આવેલી મારી કંપનીમાંથી મારી કાર લઇને પરત ઘરે આવવા નીકળ્યો હતો. ત્યારે ઘડીયાળ સર્કલ થઇ મારા ઘર સામે રોડ ઉપર ગાડી ટન લેતો હતો, તે વખતે નિલામ્બર સર્કલ તરફથી એક બાઈક ઉપર ત્રણ શખ્સો બેસી આવ્યા હતા અને મારી ગાડીને કટ મારી નિકળતા હતા. જેથી મેં મારી ગાડી રોડની સાઇડમાં ઉભી રાખી હતી અને કારનો દરવાજો ખોલી નીચે ઉતર્યો હતો. તે વખતે આ ત્રણ શખ્સો બાઇક પરથી ઉતરી મારી પાસે આવ્યા હતા અને મારી સાથે ઝપાઝપી કરીને મને મારવા લાગ્યા હતા. મને ધક્કો મારી ફેન્સિંગના તાર ઉપર પાડી દીધો હતો, જેથી મને જડબાની જમણી બાજુ ઇજા થતા મારા ચાર દાંત પડી ગયા હતા. ત્રણ પૈકી બે છોકરા પણ ફેંસિંગ પર પડતાં ઇજાગ્રસ્ત થયા હતા. મે બૂમાબૂમા કરતા આજુબાજુના લોકો આવી જતા મને વચ્ચે પડીને છોડાવ્યો હતો. મને મારનાર આરોપી મોહમદતાલીબ ફિરોજભાઇ શેખ, શાકીબ ફિરોજભાઇ શેખ અને એક સગીર (રહે. તમામ અકોટા, રામપુરા વુડાના મકાનમાં, વડોદરા) હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ત્રણેય ત્યાંથી જતા રહ્યા હતા અને મારો પુત્ર આવતા મને હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયો હતો. મેં આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ગોત્રી પોલીસે આરોપી મોહમદતાલીબ ફિરોજભાઇ શેખ, શાકીબ ફિરોજભાઇ શેખ અને એક સગીર સામે ગુનો નોંધીને ત્રણેય આરોપીની શોધખોળ શરૂ કરી છે.