વડોદરા પાલિકા દ્વારા 12.90 કરોડના ખર્ચે 3 નવા રોડ બનાવાશે, આજે ખાતમુહૂર્ત કરાયું

ગટર સહિતની કામગીરીથી રોડ ઉબડખાબડ જતાં અત્યાર સુધી પેચવર્ક કરી ચલાવાતો હતો

MailVadodara.com - 3-new-roads-to-be-constructed-by-Vadodara-Municipality-at-a-cost-of-12-90-crores-sealed-today

- સ્થાનિક લોકોએ અવારનવાર રોડ બનાવવા કાઉન્સિલરોને રજૂઆતો કરી હતી


વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ડ્રેનેજ લાઈન સહિતની કામગીરી બાદ ઉબડખાબડ થઈ ગયેલા ત્રણ નવા રોડ રૂપિયા 12.90 કરોડના ખર્ચે બનાવવા માટે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક લોકો દ્વારા અવારનવાર રોડ બનાવવા માટે સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆતો કરવામાં આવી હતી.

વડોદરા કોર્પોરેશનમાંથી મળેલી માહિતી પ્રમાણે શહેરના ફતેપુરા-મંગલેશ્વર ઝાપાથી ચાંપાનેર દરવાજા ચાર રસ્તા સુધી રૂપિયા 3.30 કરોડના ખર્ચે રિ-સરફેસિંગ રોડ બનાવવામાં આવશે. નોંધનીય છે કે, આ રોડ ઉપર વરસાદી ગટર સહિતની કામગીરી કર્યા બાદ રોડ ઉબડખાબડ થઇ ગયો હતો અને અત્યાર સુધી પેચવર્ક કરી ચલાવતો હતો. તે બાદ સ્થાનિક કાઉન્સિલરો અને સ્થાનિક લોકોની માંગણી હતી કે, આ રોડ નવો બનાવવામાં આવે. જે માંગને ધ્યાનમાં લઇને કોર્પોરેશન દ્વારા આ રોડ બનાવવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત વોર્ડ નંબર 6માં આરટીઓ ઓફિસથી જલારામ હોસ્પિટલથી ઇનર રીંગ રોડને જોડતો રૂપિયા 1.93 કરોડના ખર્ચે રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રોડ ઉપર ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી પૂર્ણ થતા નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે. આ રોડ અંગે સ્થાનિક કાઉન્સિલર હીરા કંજવાણીએ જણાવ્યું હતું કે, આ રોડ ઉપર નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી. તે બાદ પેચવર્ક કરવામાં આવ્યું હતું. હવે રૂપિયા 1.93 કરોડના ખર્ચે 670 મીટરનો રોડ બનાવવામાં આવી રહ્યો છે. આજે મેયરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સાથે વાઘોડિયા રોડ પર વેદ રેસીડેન્સી 2ના ત્રણ જંકશનથી રુદ્રાક્ષ સુધીનો રસ્તો રૂપિયા 1.55 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત રૂપિયા 3 કરોડના ખર્ચે વેદ રેસીડેન્સી ક્રિષ્ના પાર્ક રેસીડેન્સી થઈ નેશનલ હાઈવેને જોડતો 18 મીટરનો રોડ બનાવવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા ઉપરોક્ત ત્રણ નવા રોડ બનાવવામાં આવી રહ્યા છે. આજે મેયર પિન્કીબેન સોનીના હસ્તે ત્રણે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાયી સમિતિના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી, સ્થાનિક ધારાસભ્ય મનીષાબેન વકીલ, સ્થાનિક કાઉન્સિલરો સહિત વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Share :

Leave a Comments