- આરોપીઓ અમદાવાદ અને વડોદરામાં કારની ચોરી કરીને સ્ક્રેપમાં વેચી દેતા હતા
- પોલીસે બે કાર અને રોકડ કબજે કરી, 149 કાર ચોરીમાં સંડોવણી સપાટી પર આવી
અમદાવાદ અને વડોદરામાં એક બે નહી પરંતું 149 ઈકો કારની ચોરીઓ કરી તેને સ્ક્રેપવાળાને વેંચી દઈ કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા તબીબ સહિત ત્રણ આરોપીઓને શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડયા હતા. પ્રાથમિક તપાસમાં આ ત્રિપુટીએ વડોદરામાં ત્રણ સ્થળે કારની ચોરી કરી હોવાની વિગતો મળતાં પોલીસે તેઓની પાસેથી ચોરી કરેલી બે કાર કબજે કરી તેઓને કારેલીબાગ પોલીસને હવાલે કર્યા છે.
વડોદરા શહેરમાં ફોરવ્હીલ કારના ચોરીના વધેલા ગુનાના પગલે શહેર ક્રાઈમ બ્રાન્ચે કાર ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની તપાસ કરી તેઓની પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન શહેરમાં કારચોરીના ગુનામાં રીઢો આરોપી 50 વર્ષીય હરેશ દુલાભાઈ માણિયા (સહજાનંદ રેસીડન્સી, બાવળા, અમદાવાદ)ની પણ શંકાના દાયરામાં આવતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, હરેશ માણિયા શહેરના સમા તલાવડી રોડ ખાતે સફેદ રંગની મારૂતિ ઈકો કાર લઈને આવવાનો છે, જેથી પોલીસે ઉક્ત સ્થળે વોચ ગોઠવી હતી અને નંબર મુજબની ઈકો કાર આવતા જ પોલીસે કારને કોર્ડન કરીને આંતરી હતી અને કારચાલક હરેશને ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસે ઈકો કારના કાગળોની માગણી કરી હતી પરંતું તેની પાસે કાગળો ન હોઈ પોલીસે તેની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી તેની પાસેથી રોકડા 25 હજાર અને એક મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો. હરેશ સામે અમદાવાદ સહિત અન્ય સ્થળોએ કાર ચોરીના 149 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાની વિગતો મળતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે તેની કડકાઈથી પુછપરછ કરતાં તેણેકબુલાત કરી હતી કે તેણે તેના સગા ભાઈ સાથે અરવિંદ દુલાભાઈ માણિયા (નવજીનપાર્ક, ભાવળા અમદાવાદ) સાથે મળીને અત્યાર સુધી વડોદરામાં સુરસાગર તળાવ પાસેથી બે ઈકો કારની તેમજ ગત ડિસેમ્બર માસમાં કારેલીબાગના આનંદનગર ગરબા ગ્રાઉન્ડ પાસેથી સફેદ રંગની એક ઈકો કારની ચોરી કરી હતી.
આ પૈકીની કારેલીબાગ અને સુરસાગર કિનારેથી ચોરી કરેલી બે ઈકો કાર તેઓએ રાજકોટમાં સ્કેપનો વેપાર કરતાં તાહેર અનવર ત્રિવેદી (સમ્સ બિલ્ડીંગ, બુરહાનીપાર્ક, ભેડીપરા, રાજકોટ)ને વેચી દીધી હોઈ તેણે સ્કેપના ગોડાઉનમાં કટીંગ કરી નાખી હતી, જયારે સુરસાગર કિનારેથી ચોરી કરેલી એક ઈકો કાર હરેશે સમા કેનાલ રોડ પર પાર્ક કરીને છુપાવી હતી. આ ચોરીની ઈકો કારને પણ તાહેરને સ્ક્રેપમાં આપી દેવાની હોઈ તેઓ ત્રણેય જણા કારમાં આવ્યા છે તેમજ અરવિંદ અને તાહેર થોડે દુર તેની રાહ જોઈ રહ્યા છે.
આ વિગતોના પગલે પોલીસે તપાસ કરી નજીકના વિસ્તારમાં બ્રેઝા કારમાં હરેશની રાહ જોઈ રહેલા અરવિંદ માણિયા અને તાહેર ત્રિવેદીને પણ ઝડપી પાડયા હતા. પોલીસે ત્રણેયની અટકાયત કરી પુછપરછ કરી હતી. જેમાં એવી ચોકાવનારી વિગતો મળી હતી કે હરેશ અને અરવિંદ માણિયા રીઢા વાહનચોર છે અને તેઓની વિરુધ્ધ અમદાવાદ અને વડોદરામાં કાર ચોરીના 149 ગુના નોંધાયેલા છે તેમજ 140 જેટલા ગુનામાં તેની ધરપકડ પણ થઈ છે. આ કબુલાતના પગલે બંને વાહનચોર ભાઈઓની વડોદરાના વધુ ત્રણ ઈકો કાર ચોરીના ગુનાઓ સહિત હવે 149 કાર ચોરીના સંડોવણી સપાટી પર આવી છે. ત્રણય આરોપીઓ પૈકી મુખ્ય સુત્રધાર હરેશ માણિયા બેચલર ઓફ ઈસ્ટર્ન મેડિકલ એન્ડ સર્જરી (બીઈએમએસ)નો યુનાની તમીબનો કોર્સ કર્યો હોઈ તે અગાઉ તબીબ તરીકે પ્રેકટીસ કરતો હતો.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે તબીબ હરેશ માણિયા તેના સગા ભાઈ અરવિંદ અને સ્ક્રેપના વેપારી તાહેર ત્રિવેદી પાસેથી સુરસાગર પાસેથી ચોરી કરેલી એક ઈકો કાર તેમજ ચોરીની કારને લઈ જવા માટે ઉપયોગમાં લીધેલી બ્રેઝા કાર, ત્રણ મોબાઈલ ફોન અને રોકડા ૨૫ હજાર સહિત કુલ 7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.