- શરાબના વેચાણ માટે જગ્યા માજી સરપંચે પુરી પાડી હતી, જ્યારે અમજદ શેખ નામનો ભાગીદાર દારૂ સપ્લાય કરતો હતો, બંને વોન્ટેડ જાહેર
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં રણોલીમાં ગોડાઉન ઝડપી પાડયા બાદ આજે નંદેસરીમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સફળ રેડ કરવામાં આવી છે. જેમાં નંદેસરી ગામના માજી સરપંચને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
વડોદરા શહેરના નંદેસરી પોલીસ મથક વિસ્તારમાં આજે સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી કે, નંદેસરી ગામના માજી સરપંચ દિલીપસિંહ ઉદેસિંહ ગોહિલ ઉર્ફે સ્વામી દ્વારા પોતાના ફાર્મહાઉસના મકાનમાં વિદેશી શરાબનો જથ્થો લાવીને તેનું વેચાણ કરવામાં આવી રહયું છે. જે માટે કેટલાક માણસોને નોકરી પણ રાખવામાં આવ્યા છે. જે બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલએ દરોડો પાડતા સ્થળ પરથી ઇમરાન ચૌહાણ (રહે. માધવ નગર, ગોરવા), જીગ્નેશ અભેસિંગ બારીયા (રહે.કલ્યાણ નગર, ફતેગંજ) તેમજ રઝાક ઉર્ફે અજજુ શેખ (રહે. નુર્મના મકાનમાં, માણેજા) એમ ત્રણ વ્યક્તિ મળી આવ્યા હતા. તેઓની પૂછપરછ કરતા તેઓને શરાબનું વેચાણ કરવા માટે નોકરીએ રાખવામાં આવ્યું હોવાનું કબુલ્યું હતું. શરાબના વેપલાના સંચાલક વિશે પૂછતાં તેઓએ નંદેસરીના માજી સરપંચ દિલીપસિંહ ઉર્ફે સ્વામીનું નામ જણાવ્યું હતું. આ સાથે કલ્યાણનગર ફતેગંજ ખાતે રહેતો અમજદ શેખ શરાબના ધંધામાં માજી સરપંચનો ભાગીદાર હોવાની કબૂલાત કરી હતી. શરાબના વેચાણ માટે જગ્યા માજી સરપંચે પુરી પાડી હતી. જ્યારે અમજદ શરાબની સ્પાલાય કરતો હતો.
પોલીસે નંદેસરીમાં ફાર્મમાં વિવિધ બ્રાન્ડની 496 જેટલી શરાબની બોટલો, રોકડ રકમ, મોબાઈલ ફોન અને એક વાહન મળીને રૂપિયા 1,35,110નો મુદ્દામાલ કબ્જે લીધો છે. આ સાથે શરાબના વેપલાના મુખ્ય સંચાલક માજી સરપંચ સ્વામી અને તેના ભાગીદાર અમજદ શેખને વોન્ટેડ જાહેર કર્યા છે.