- દરોડામાં એક ડમ્પર, સો ટન રેતીનો જથ્થો સીઝ કરી ખાણ ખનીજ વિભાગને સોંપાયો
મહી નદીમાંથી અનાધિકૃત રીતે રેતી કાઢવાની પ્રવૃત્તિ પર વડોદરા ગ્રામ્ય પ્રાંત અને પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ત્રણ બોટ જપ્ત કરવામાં આવી છે.
ખનીજ માફિયા સામે કડક કાર્યવાહી કરવા માટે કલેક્ટર બિજલ શાહે સૂચના આપી છે. તેના અનુસંધાને વડોદરા ગ્રામ્યમાં આવેલા કોટડા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં કેટલાક લોકો ગેરકાયદે રેતી કાઢતા હોવાની માહિતી મળતા વડોદરા ગ્રામ્ય પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ ઉપરાંત મામલતદાર અને પોલીસની ટીમ ત્યાં દરોડા પાડ્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન કોઇ પાસ પરમિટ વીના મહી નદીમાંથી રેતી કાઢતી ત્રણ બોટ ઝડપાઇ જતા તેને જપ્ત કરીને પોલીસને સોંપવામાં આવી હતી. તેની સાથે એક ડમ્પર અને એક સો ટન જેટલી રેતીનો જથ્થો પણ મળી આવ્યો હતો. જેને ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે. આ તમામની કિંમત અંદાજે રૂ. પાંચેક લાખની થવા જાય છે.