પાદરાના વડુ ગામમાં ઓટો રિક્શામાં છુપાવી ગાંજાની હેરાફેરી કરતા 3 ઝડપાયા,એક ફરાર

વડુ પોલીસે બાતમી મળતા વડુ ગામના મુજપુરીયા વગામાં દરોડો પાડ્યો હતો

MailVadodara.com - 3-arrested-for-smuggling-ganja-hidden-in-auto-rickshaw-in-Vadu-village-of-Padra-one-absconding

- આરોપીઓના મકાનમાંથી 2.32 લાખ કિંમતનો 23 કિલો ગાંજા ઝડપાયો, વડુ પોલીસે ઓટો રિક્ષા, રોકડ સહિત 3.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યેા


વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ ગામના મુજપુરીયા વગામાં ગાંજાનો જથ્થો લઇને આવેલી ઓટો રિક્ષા તેમજ ગાંજાની હેરાફેરી કરતા ત્રણ વ્યક્તિની વડુ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આ બનાવમાં ઓટો રિક્ષા તેમજ ઝડપાયેલા વ્યક્તિઓના મકાનમાં તપાસ કરી રૂપિયા 2.32 લાખની કિંમતનો 23 કિલો ગાંજાનો જથ્થો કબજે કરી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ મથકના પી.આઇ. વી.એમ. ટાંકે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડુ પોલીસ મથકના પી.એસ.આઇ. એન. બી. ચૌહાણને માહિતી મળી હતી કે, વડુ ગામના મુજપુરીયા વગામાં રહેતા બચુ ડોસાભાઇ સિંધાની ત્યાં ઓટો રિક્ષામાં ગાંજાનો જથ્થો આવવાનો છે. આ માહિતીના આધારે તેઓએ સ્ટાફને સાથે રાખી દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગાંજાનો જથ્થો લઇને આવેલી ઓટો રિક્ષાને ઝડપી પાડી હતી. તે સાથે પોલીસે ઓટો રિક્ષા પાસે ગાંજો મંગાવનાર બચુ સિંધા અને અને ગાંજાની હેરાફેરી કરવા માટે આવી પહોંચેલા વડુ ગામના બે વ્યક્તિઓની પણ ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક આરોપી ફરાર થઇ ગયો હતો.


પોલીસે ઓટો રિક્ષામાં તપાસ કરતા રિક્ષાની પાછળના ભાગના એન્જિનમાં ગાંજાનો જથ્થો છુપાવીને લાવવામાં આવ્યો હતો. પોલીસે આ જથ્થો કબજે કર્યા બાદ ઝડપાયેલા અન્ય બે વ્યકિતઓના મકાનમાં તપાસ કરતા તેઓના મકાનમાં પીપમાં તેમજ અન્ય જગ્યાએ છૂપાવેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આમ પોલીસે રૂપિયા 2,32,590ની કિંમતનો 23 કિલો 259 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. તે સાથે પોલીસે મોબાઇલ ફોન, ઓટો રિક્ષા, રોકડ રકમ મળી કુલ્લે રૂપિયા 3,60,790નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વડુ પોલીસે આ ગુનામાં વડુ ગામમાં રહેતા ચાર વ્યક્તિઓ સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ગાંજાના જથ્થા સાથે અટકાયત કરાયેલા બચુ ડોસુમીયાં સિંધા, એહમદ નવાઝ સિંધા અને સમીર સબ્બિર ચૌહાણની ધરપકડ કરી હતી. જ્યારે અનવર ઉર્ફ સુરતી શેખને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

વડુ પોલીસે વડુ ગામમાં દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે 3 વ્યક્તિઓની ધરપકડ કરતા વડુ ગામ સહિત આસપાસના ગામોમાં ચકચાર મચી ગઇ હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની વધુ પૂછપરછમાં અન્ય વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. પોલીસે ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે પણ તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

Share :

Leave a Comments