- બાન્કો એલ્યુનિમિયમ કપનીએ 1,59,839 કિલો સામાન મોકલ્યો હતો
- કન્ટેનરનું સીલ તોડીને રૂા.4.16 કરોડની કિંમતનો 1,42,891 કિલો સામાન કાઢી ગુનાહિત કાવતરું રચીને આરોપીઓએ છેતરપિંડી કરી હતી
વડોદરાની બાન્કો એલ્યુનિમિયમ કંપનીના નેધરલેન્ડ અને જર્મની મોકલેલા 7 કન્ટેનરમાંથી 4.16 કરોડનો સામાનની ચોરી મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને કોર્ટે ત્રણેય આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અગાઉ વડોદરા ક્રાઇમ બ્રાંચે કન્ટેરનર્સના 5 ડ્રાઇવર સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મૂળ મહારાષ્ટ્રના અને હાલ વડોદરાના વાસણા રોડ પર આવેલ શાંતમ ગ્રિન્સ બંગ્લોઝમાં રહેતા મંદાર અરુણ કાલે (ઉ.વ.50)એ ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું વડોદરામાં બાન્કો એલ્યુમિનિયમ લીમીટેડ કંપનીમાં હેડ ઓફ સેલ્સ ઇન બિઝનેસ ડેવપોલપમેન્ટ તરીકે નોકરી કરું છું. અમારી કંપનીમાંથી અલગ-અલગ શેપ અને સાઇઝનો સામાન ભારત જાય છે અને આ ઉપરાંત યુ.કે., કેનેડા અન યુરોપમાં નિકાસ કરે છે.
અમારી બાન્કો એલ્યુમિનિયમ લીમીટેડ કંપનીમાંથી એલ્યુમિનિયમ એક્સ્ટુઝન એન્ડ એલોઇઝ ફોર ઇન્ડસ્ટ્રીયલ પર્પજ પ્રોડક્ટ વેરીયસ સેક્સનની અલગ-અલગ શેપ અને સાઇઝનો સામાન 7 અલગ-અલગ કન્ટેનરમાં ભરી હજીરા પોર્ટથી નિકાસ માટે રોડરડેમ પોર્ટ (નેધરલેન્ડ) ખાતે મોકલ્યા હતા. જેમાં 4 કન્ટેનર નેધરલેન્ડ અને 3 કન્ટેનર જર્મની ખાતે મોકલ્યા હતા. જૈ પૈકી 4 કન્ટેનર નેધરલન્ડ ઇન્કોટર્મ રોટરડેમ પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટના માધ્યમથી IMS કંપનીમાં લઇ ગયા હતા. આ કન્ટેનર IMS કંપનીમાં ગયા બાદ 4 કન્ટેનર ખોલીને જોયા તો 3 કન્ટેનરમાં સામાનની જગ્યાએ સીમન્ટની થેલીઓ જણાઈ આવી હતી અને એક કન્ટેનરમાં થોડો સામાન ભરેલો હતો. જેના ફોટો પાડીને IMS કંપનીએ અમારી બાન્કો એલ્યુમિનિયમ લીમીટેડ કંપનીના ઇ-મેઇલ આઇડી ઉપર મોકલ્યા હતા અને અમને જાણ કરી હતી.
તેમજ બીજા 3 કન્ટેનર ઇન્કોર્ટમ ડ્યુટી ડીલીવર પેઇડ (DDP)થી અમારા ફોર્વર્ડર ઓન ટાઇમ તેના પોતાના વેરહાઉસ ખાતે તે લઇ ગયા હતા. જો કે, વજન ઓછું જણાતા ચેક કરતા એક કન્ટેનર ખાલી જણાયું હતું અને બીજા બે કન્ટેનરમાં થોડો સામાન જણાયો હતો અને તેના ફોટો પાડીને મોકલ્યા હતા અને કંપનીને જાણ કરી હતી.
અમારી કંપનીએ સુરતની હજીરા ખાતે આવેલ ઓફિસ ખાતેનો સંપર્ક કર્યો હતો અને જીપીએસ સિસ્ટમની માહિતી મંગાવી હતી અને તેના આધારે મીસીંગ થયેલા સામાન અંગે 7 કન્ટેનર સુરતના પીપોદ્રાની આજુબાજુ ત્રણથી ચાર કલાક રોકાયા હોવાનું જાણવા મળ્યું હતું. 1,59,839 કિલો સામાન મોકલ્યો હતો અને તેમાંથી 4.16 કરોડની કિંમતનો 1,42,891 કિલો સામાન કાઢી લઇને કન્ટેનરનું સીલ તોડીને ગુનાહિત કાવતરું રચીને છેતરપિંડી કરી હતી. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાંચે કન્ટેનરના ડ્રાઇવર રિન્કુ મહારાજદીન, અનુપસિંહ ગયા પ્રસાદસિંહ, સંતચરણ, ચંદ્રભાન અને ગોવિંદ યાદવ સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ભૌતીક ઉર્ફે મામા પરસોતમભાઇ વઘાસીયા (ઉ.26) (રહે. નવકાર રેસિડેન્સી, પાસોદરા પાટીયા, સુરત, મુળ રહે. જુનાગઢ), જગદિશ ઉર્ફે જીગ્નેશ ઉર્ફે જીગાભાઇ બાબુભાઇ કળથીયા (ઉ.38) (રહે. નિલકંઠ રો-હાઉસ, સરથાણા જકાતનાકા, સુરત) ચેતન ઉર્ફે જોલી ધીરૂભાઇ સુખડીયા (ઉ.36) (હાલ રહે.સ્વાતી સોસાયટી, ચીકુવાડી, વરાછા, સુરત, મુળ. અમરેલી)ની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ છે અને કોર્ટમાં રજૂ કરીને ત્રણેય આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આરોપી ચેતન ઉર્ફે જોલી ધીરૂભાઇ સુખડીયાનો અગાઉ સુરત ખાતે મારામારીના ગુના ઉપરાંત એક કરોડથી વધુ કિંમતનું સોનુ મારામારી કરી લઇ જવાના લુંટના ગુનામાં પકડાયો હતો. ચેતન ઉર્ફ જોલી ધીરૂભાઇ સુખડીયા અને જગદિશ ઉર્ફે જીગ્નેશ ઉર્ફે જીગો બાબુભાઇ કળથીયા સુરત જીલ્લાના કોસંબા કેમીકલ્સ ચોરીના ગુનામાં વોન્ટેડ હોવાની માહિતી મળતાં આ અંગે સુરત પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. આ કેસની તપાસ દરમિયાન આજ દિવસ સુધી આરોપીઓ દ્વારા ઠગાઇ કરી લઇ જવામાં આવેલ 60 લાખની કિંમતનો 26 ટન સામાન શોધી કાઢી રીકવર કર્યો છે.