- પોલીસે 12 કલાક રેકી કરી ૩ આરોપીને ઝડપી પાડ્યા, એક આરોપી પોલીસને જોઇને ભાગવા જતાં પીઆઇ પટેલે 150 મીટર સુધી દોડીને તેને ઝડપી પાડયો
અમેરિકાના કેમિકલ એન્જિનિયર તરીકેની ઓળખ આપી અને યુકેમાં નોકરી કરે છે, તેમ કહી યુવતી સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કરી હતી અને ત્યાર બાદ ગિફ્ટ મોકલવાનો કહીને 3 નાઇજીરિયને વડોદરાની યુવતી પાસેથી 2.62 લાખ રૂપિયા પડાવ્યા હતા. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે 3 નાઇજીરિયનને દિલ્હીથી ઝડપી પાડયા છે. ત્રણ પૈકી એક આરોપી પોલીસને જોઇને ભાગ્યો હતો. જોકે, પીઆઇ પટેલે આરોપીની પાછળ 150 મીટર સુધી દોડીને તેને ઝડપી પાડયો હતો.
સોશિયલ મીડિયા પર વાત કરી યુવતીનો વિશ્વાસ કેળવ્યો વડોદરા સાયબર ક્રાઇમ એસીપી મયૂરસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગુનામાં યુવતીને ખોટા આઇડી દ્વારા ફ્રેન્ડશિપ રિકવેસ્ટ મોકલવામાં આવી હતી અને ત્યાર બાદ યુવતીનો વિશ્વાસ કેળવ્યો હતો અને આરોપીએ કહ્યું હતું કે, તે યુકેમાં હર્બલ એનર્જીમાં એન્જિયનર છે. ત્યાર બાદ યુવતીને ફોન કર્યો હતો કે, તમારા મિત્રનું પાર્સલ આવ્યું છે અને એરપોર્ટ ખાતે તે ક્લિયન્સમાં છે અને ક્લિરન્સના નામે 2.62 લાખ રૂપિયા ભરાવી છેતરપિંડી આચરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કેસમાં તપાસ કરતા જે પૈસા ગયા છે. જે દિલ્હી ખાતેના એટીએમથી વીડ્રો થયા છે. ત્યાર બાદ પીઆઇ પટેલ સહિતની ટીમ દિલ્હી ગઈ હતી અને તપાસ કરી હતી. ત્યાર બાદ એક મહિના પછી ફરી બે ટીમો ગઈ હતી અને સતત 12 કલાકની રેકી કરી હતી અને 3 આરોપીને ઝડપી પાડયા હતા. આ ત્રણેય આરોપી નાઇજીરિરિયન છે.
આ આરોપી લેઝુઓ ઓબિઓમાં જોહોન (ઉં.વ. 50, રહે. સંતનગર, બુરારી, દિલ્હી, મુળ રહેવાસી. નાઇજીરિયા), જિબિલ મોહંમદ (ઉં.વ. 22, રહે. સંતનગર, બુરારી, દિલ્હી, મૂળ રહેવાસી, નાઇજીરિયા) અને એગબુલ્લે કેનીસ ઇકેન્ના (ઉં.વ. 41, રહે. યુનિટેક હોરાઇઝન હાઉસ, ગ્રેટર નોઇડા, ઉત્તર પ્રદેશ, મુળ રહેવાસી. નાઇજીરિયા)ને વડોદરા ખાતે લાવીને રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે. આ આરોપીઓ પાસેથી 500થી વધુ બેંક એકાઉન્ટ મળી આવ્યા છે અને તેઓની સામે 900થી વધુ ફરિયાદો થઈ છે.
તેમણે ઉમેર્યું હતું કે, પ્રાથમિક તપાસમાં 15 કરોડથી વધુનું ફ્રોડ આચર્યું હોવાની શક્યતા છે. આ લોકો દિલ્હીમાં રહીને સમગ્ર નેટવર્ક ચલાવતા હતા. તેમના ફોનમાંથી મળેલી માહિતી પ્રમાણે ભારત અને ભારત બહારના લોકો સાથે તેઓએ છેતરપિંડી આચરી હોવાનું ખુલ્યું છે. આ આરોપીઓ પૈકી એક 2019માં બીજો 2022માં અને ત્રીજો 2023માં આવ્યો હતો અને તેઓના વિઝા પૂરા થઈ ગયા બાદ પણ અહીં રોકાયા હતા. આ કેસમાં વધુ આરોપીઓ છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે.
આ આરોપીઓ વિદેશમાં રહેતા એન્જિનિયર તરીકે ખોટી ઓળખ ઉભી કરી ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી યુવતીઓ સાથે મિત્રતા કરતા હતા. ત્યારબાદ ફરિયાદી સાથે મિત્રતા કરી આરોપીને આસામમાં દિગ્બોઈ પ્લાંટ ખાતે નોકરી મળી છે તેમ જણાવીને તેના પાર્સલ કે જેમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ, કપડા વગેરે છે તેને રીસીવ કરવા ફરિયાદી પાસેથી નાણાં ટ્રાન્સફર કરાવતા હતા અને ફરિયાદી પાસે અલગ-અલગ નાણાંની માગણી કરતા હતા. આ ઉપરાંત આરોપીઓ ફ્રોડના નાણાં નાખવા ભારતીય નાગરિકોના બેંક ખાતાઓ તેમજ સીમકાર્ડ ભાડેથી મેળવી ગુનો આચરતા હતા.