વડોદરાના વાઘોડિયા રોડ પર બાપુ જકાતનાકા પાસે રહેતા બેંકના કર્મચારી કવાંટ તાલુકાના પોતાના વતન ખાતે ગયા હતા. તે દરમિયાન તસ્કરો તેમના મકાનમાં ત્રાટક્યા હતા અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત રૂ.3.74 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. પાડોશી એ ફોન કરીને ચોરી અંગે જાણ કરતા મહિલાએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર બાપોદ જકાતનાકા પાસે આવેલા ધરતી હાઉસિંગ ટેનામેન્ટમાં રહેતા અને સંખેડા ખાતે બેંકમાં નોકરી કરતા વૈશાલી જગુભાઈ રાઠવાએ પોલીસ ફરીયાદ નોધાવી છે કે ગત 31 ઓગસ્ટના રોજ બપોરના સમયે મકાનના મુખ્ય દરવાજાને તાળું મારી
હું તથા મારો ભાઇ સિધ્ધાર્થ રાઠવા બંને અમારા વતન કવાટ તાલુકાના મોરાગણાગામ ગયા હતા અને ત્યાજ રાત્રીના રોકાયા હતા. બીજા દિવસે સવારે અમારા પાડોશમાં રહેતા મનીષાબેન સુરેશભાઈ રોહિતે મારા મોબાઇલ ફોન કરી જણાવ્યું હતું કે તમારા મકાનના મુખ્ય દરવાજાનો નચુકો તુટેલ અને દરવાજો ખુલ્લો છે. જેથી ચોરી થયેલ હોય તેવું લાગી રહ્યું છે. તે બાદ મેં પોલીસ કંટ્રોલમાં ચોરી અંગે જાણ કરતા પોલીસ મારા ઘરે ગઈ હતી અને તપાસ કરતા ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. જેથી અમારા વતનમાંથી હું તથા ભાઈ સિધ્ધાર્થ મારા મકાન પર આવ્યા હતા ત્યારે મુખ્ય દરવાજાનો નકુચો કોઈ ઈસમે કોઈ સાધન વડે તોડી નાખી તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા અને બેડરૂમમાં લોખંડ તિજોરીના લોકર તથા લેડીઝ પર્સમાંથી સોના-ચાદીના દાગીના તથા રોકડા રૂપીયા અને 25 હજાર મળી રૂ.3.74 લાખ મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. કપુરાઈ પોલીસે મહિલાની ફરિયાદના આધારે તસ્કરોનું મેળવવાની તજવીજ હાથ ધરી છે.