- વકીલે ફરિયાદમાં જણાવ્યું કે, ડો. સિદ્દીકીએ મારી પત્નીની સારવાર કરી પગમાંથી લોહીનો બગાડ કાઢી 40 વર્ષ સુધીની ગેરેન્ટી આપી હતી
શહેરમાં ઘૂંટણની સારવાર કરાવ્યા બાદ પણ કોઇ રાહત ન થતાં 66 વર્ષીય વકીલે યુનાની ડો. સિદ્દીકી સામે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જે.પી. રોડ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરના અક્ષરચોક પાસે આવેલ શ્રી રામીન પાર્ક સોસાયટીમાં રહેતા વકીલ નિરંજનકુમાર ચિમનલાલ સોની (ઉં.વ.66)એ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 4 જાન્યુઆરી-2021ના રોજ હું રોજ હું મારી પત્ની ગીતા સાથે અલકાપુરી ગોવર્ધન હવેલી ખાતે દર્શન કરવા માટે ગયા હતા. મારી પત્નીને ઘૂંટણની તકલીફ હોવાથી ચાલવામાં તકલીફ થતી હતી. જ્યાં નીતિન અગ્રવાલ નામના વ્યક્તિએ મારી પત્નીને કમર તથા ઘુટણની તકલીફ હોય તો ડો.સિદ્દીકી જાેડે સારવાર કરાવવાનું જણાવતા તેમનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ બીજા જ દિવસે ડૉ. સિદ્દીકી અને તેમનો આસિસ્ટન્ટ અમારા ઘરે આવીને મારી પત્નીને પ્રયોગીક ધોરણે સારવાર કરી પગમાં પંક્ચર કરી લોહીનો બગાડ કાઢયો હતો, જેના માટે 3,56,000 રૂપિયાની માંગણી કરી હતી અને તેમાં ડિસ્કાઉન્ટ કરીને મને મારી પત્નીની સારવારના 3,51,000 રૂપિયાનો ખર્ચો નક્કી કર્યો હતો. જેથી મેં 5000 રોકડા આપ્યા હતા અને 3,46,000 રૂપિયાનો ચેક યુનાની ડો.સિદ્દીકીના આસિસ્ટન્ટના કહેવાથી આલોક નામની વ્યક્તિના નામ ઉપર લખી આપ્યો હતો.
ત્યારબાદ 6 નવેમ્બર-2021ના રોજ યુનાની ડો. સિદ્દીકીએ મને ફોન કરીને પુછ્યું હતું કે, તમારી પત્નીની તબિયત કેવી છે? ત્યારબાદ 9 નવેમ્બર-2021ના રોજ મેં ડો. સિદ્દીકીને ફોન કરીને જણાવ્યું હતું કે, મારી પત્નીની તબીયત સારી થઈ નથી. 16 નવેમ્બર-2021ના રોજ યુનાની ડો.સિદ્દીકીને ફોન ઉપર કોન કરતા મને લેબ રિપોર્ટ તેમજ મેડીકલેમના તમામ જરૂરી ડોક્યુમેન્ટ પૂરા પડવાની ખાત્રી આપી હતી અને અમારા ઘરે આવવાનો ખોટો વાયદો કર્યો હતો. જો કે, ત્યારબાદ યુનાની ડો. સિદ્દીકીને અવારનવાર ફોન કરવા છતા તેઓનો મોબાઇલ નંબર સ્વીચ ઓફ આવતો હતો.
જેથી મેં તેના એજન્ટ નીતીન અગ્રવાલને ફોન કરીને ડો. સિદ્દીકી વિશે પૂછના મને જણાવ્યું હતું કે, તેઓ હાલ બહાર હશે, એટલે તમારો ફોન ઉપાડતા નથી. ત્યારબાદ નીતીનભાઈનો પણ ફોન પણ લાગતો ના હતો. ડો. સિદ્દીકીએ મારી પત્નીની સારવાર કરીને 40 વર્ષ સુધીની ગેરેન્ટી આપી હતી. પરંતુ તેઓની સારવાર બાદ પણ મારી પત્નીને કોઇ જ રાહત ન થઇ હોવાથી મેં જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.