- આ ઉપરાંત 42 સિગ્નલ અપડેટ કરવાનું આયોજન કોર્પોરેશન દ્વારા કરાયું
વડોદરા કોર્પોરેશનમાં નવીન ગામોનો સમાવિષ્ટ થતાં શહેરની વસ્તી અને વિસ્તારમાં વધારો થયો છે. પરિણામે ટ્રાફિકનાં ભારણમાં વધારો થયો છે. જેથી શહેરની હદમાં આવેલા નવીન ત્રણ રસ્તા અને ચાર રસ્તાનાં જંક્શનો ખાતે નવા 28 ટ્રાફિક સિગ્નલ અને 42 સિગ્નલ અપડેટ કરવાનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સિગ્નલો નાખવામાં આવ્યા હતા. પરંતુ તે લગભગ નિષ્ફળ પૂરવાર થયા છે.
શહેરનાં રસ્તાઓ ઉપર ટ્રાફિકનાં ભારણને નિયંત્રીત કરવા માટે જુદા-જુદા ત્રણ રસ્તાના જંકશનો અને ચાર રસ્તાના જંકશનો ઉપર ટ્રાફીક સિગ્નલ લગાડવાની જરૂરીયાત છે. સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત IT ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના જુદા-જુદા ત્રણ રસ્તાના જંકશનો અને ચાર રસ્તાના જંકશનો ઉપર નવીન સ્માર્ટ ટ્રાફીક સિગ્નલ લગાડવાની તથા તેની હાલમાં નિભાવણીની કામગીરી કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, નવીન સમાવિષ્ટ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસના અભીપ્રાય મુજબ નવીન સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ ઉભા કરવા તથા તેનુ મેઇન્ટેનન્સ કરવાનું રહે છે. જુદા-જુદા ત્રણ રસ્તાના જંકશનો અને ચાર રસ્તાના જંકશનો ઉપરના હયાત ટ્રાફીક સિગ્નલમાં જરૂરી અપગ્રેસેશન કરવાનું કામ તથા તેનુ કોમ્પ્રેહેન્સિવ મેન્ટેનન્સ કરવાનું કામ, જંકશનો ઉપરના સ્માર્ટ ટ્રાફીક સિગ્નલ કાર્યરત છે જેનું મેન્ટેનન્સનું કામ જુન 2024માં પુર્ણ થતુ હોઇ આગામી સમય માટે મેન્ટેનન્સ કરવાનું કામ, ટ્રાફીક સિગ્નલમાં જરૂરી સુધારા વધારા નવીન ટ્રાફીક સિગ્નલ લગાડવા તથા તેની નિભાવણીની કામગીરી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં વધી રહેલા ટ્રાફિક ભારણને લઈ ટ્રાફિક સિગ્નલો મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે. પાલિકાના આઇટી વિભાગ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક સિગ્નલની લાઇટો દૂરથી દેખાય તેવા સિગ્નલો પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત નાખવામાં આવ્યાં હતાં. પરંતુ, આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત નાખવામાં આવેલા સિગ્નલો સફળ પુરવાર. થયા નથી. કેટલાક સિગ્નલો ઉપર ઘર ફંકશનોમા વપરાતી LED સિરીઝ જેવી લાઇટો લગાવી દેવામાં આવી છે. આમ અલગ અલગ અખતરા કરવામાં આવ્યા છે. ત્યારે, વડોદરા શહેરમાં નવીન લગાવવામાં આવનાર સિગ્નલો શહેરને શોભે તેવા અને વાહન ચાલકોને દૂરથી સિગ્નલ દેખાય તેવા સિગ્નલ લગાવવા કન્સલ્ટન્ટની નિમણૂક પણ કરવામાં આવનાર છે.