- પરિવાર ચાર રસ્તા પાસે શંકાસ્પદ મોપેડ સાથે શખ્સને પોલીસે રોક્યો હતો, તેની પાસે મોપેડના પેપર ન હોવાથી વધુ પૂછપરછ કરતાં મોપેડ ચોરીનું હોવાનું કબૂલ્યું
શહેરમાં ઓનલાઇન ગેમમાં દેવું થઇ જતાં 23 વર્ષના યુવકે મોપેડની ચોરી કરી હતી. વડોદરા ક્રાઇમ બ્રાંચે આરોપી યુવકની ધરપકડ કરી છે અને ચોરી કરેલું મોપેડ પણ જપ્ત કર્યું છે અને આરોપીને કપુરાઇ પોલીસને સોંપીને વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા નંદનવન સોસાયટીમાં રહેતા શિક્ષિકા જીગીશાબેન શાહે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મેં મારું મોપેડ ચોરી થઈ ગયાની ફરિયાદ ઓનલાઇન કરી હતી. ગત 3 એપ્રિલના રોજ રાત્રીના 9 વાગ્યે મારી દીકરી મોપેડ લઈને રિપેરિંગ કરાવવા માટે ગઈ હતી અને ગેરેજ પર રિપેરિંગ માટે મુકીને મારી દીકરી પરત ઘરે આવી ગઈ હતી. ત્યારબાદ 4 એપ્રિલના રોજ સવારના 11 વાગ્યે ગેરેજના માલિક જય શાહનો મારા ઉપર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારી ગાvડી રિપેર થઈ ગઈ છે, તમારે ગાડી વોશ કરાવવાની છે કે? તેમ પૂછતાં મેં હા કહેતા તેઓએ ગેરેજની બાજુમાં વોશ માટે અમારી મોપેડ મુકી હતી અને સાંજના 7 વાગ્યે હું મોપેડ લેવા ગેરેજ ૫૨ ગઈ હતી અને આ ગેરેજના માલિકને ફોન કરી મોપેડ બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, તમારું મોપેડ વોશ કરી ગેરેજની બહાર મુક્યું છે.
હું ગેરેજની બહાર મોપેડ લેવા જતા ત્યાં મળ્યું નહોતું અને ગેરેજના માલિક જય શાહને પૂછતાં તેઓ પણ તુરંત આવી ગયા હતા અને અમે તમામે સાથે રહીને ગેરેજની આજુબાજુ તપાસ કરી હતી, પરંતુ મારી મોપેડ મળી નહોતી અને ત્યારબાદ હું અને મારા પરીવારના સભ્યો તપાસ કરતા હતા, પરંતુ, મોપેડ મળી નહોતી તેથી મેં ઓનલાઇન સિટીઝન પોર્ટલમાં ઈ-FIR કરી હતી. આ મામલે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ દરમિયાન વડોદરાના પરિવાર ચાર રસ્તા પાસે એક શંકાસ્પદ જ્યુપીટર મોપેડ સાથે એક શખ્સને પોલીસે રોક્યો હતો. આ દરમિયાન તેની પાસેથી મોપેડના પેપર ન હોવાથી તેની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં તેને મોપેડ ચોરી કરી હોવાની વાત સ્વીકારી હતી.
આરોપી રુદ્રકુમારુ ઉર્ફે તીર્થ ત્રિવેદી છેલ્લા 6 મહિનાથી ઓનલાઇન ગેમના રવાડે ચડી ગયો હતો અને તેને 70 હજાર રૂપિયાનું દેવું થઇ ગયું હતું. આ ઉપરાંત તેને નોકરી ઉપર આવવા જવા માટે કોઈ વાહન પણ નહોતું. જેથી તેને મોપેડની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપી યુવકે કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે અને તે ગ્રાફિક ડિઝાઇનરનું કામ કરે છે. પોલીસે મોપેડ અને મોબાઇલ સહિત 47 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છ અને આરોપીની ધરપકડ કરી છે. વડોદરા ક્રાઇમ બ્રાંચે આરોપીને કપુરાઇ પોલીસને સોંપ્યો છે અને કપુરાઇ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.