- દિલ્હીના ઠેકેદારે 495 પેટી દારૂ ભરેલો ટેમ્પો સુરત પાસેથી મોકલાવ્યાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું, રૂપિયા 43.81 લાખનો મુદ્દામાલ કબજે
વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ટેમ્પોમાં વડોદરા તરફ લવાતો રૂપિયા 23.76 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો છે. કરજણ-વડોદરા હાઇ-વે વલણ ગામ પાસે ઝડપાયેલા દારૂ સાથે પોલીસે ટેમ્પોચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો દિલ્હીના ઠેકેદારે 495 પેટી દારૂ ભરેલો ટેમ્પો સુરત પાસેથી મોકલાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, ગત બુધવારે વલણ પાસેથી રૂપિયા 5 લાખનો દારૂ ભરેલો ટેમ્પો એલસીબીએ ઝડપી પાડયો હતો.
કરજણ-વડોદરા હાઇવે ઉપર વલણ ગામ પાસેથી ઝડપાયેલા 495 પેટી દારૂ ભરેલા ઝડપાયેલા ટેમ્પો અંગે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, પી.એસ.આઇ. પી. કે. ભુત તથા સ્ટાફના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ગજાભાઇ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ હાઇ-વે ઉપર પેટ્રોલિંગમા હતા. આ દરમિયાન તેઓને માહિતી મળી હતી કે, રાજસ્થાન પાસિંગનો એક આઇસર ટેમ્પો વલણ ગામ પાસે શંકાસ્પદ હાલતમાં ઉભો છે. તુરંત જ એલસીબીની ટીમના અન્ય જવાનો અનાર્મ હેડ કોન્સ્ટેબલ ખોડાભાઇ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હર્ષકુમારને બોલાવી સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં ટેમ્પો ઉભો હતો અને તેમાં ટેમ્પોચાલક પણ હતો.
ઘટનાસ્થળ ઉપર પહોંચેલી પોલીસે ટેમ્પો ચાલકને ટેમ્પોમાં ચીજવસ્તુઓ અંગે પૂછપરછ કરતાં તે ગભરાઇ ગયો હતો અને ટેમ્પોમાં દારૂ હોવાની કબૂલાત કરી હતી. આ દરમિયાન પોલીસે તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ નરેન્દ્ર શ્યામલાલ ગુજ્જર (રહે. પરસરામપુરા, જિલ્લો જઉજંરઉ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટેમ્પોચાલકને સાથે રાખી ટેમ્પોમાં તપાસ કરતાં તેમાંથી 495 પેટી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 23,76,000ની કિંમતનો દારૂનો જથ્થો, રૂપિયા 20 લાખની કિંમતનો ટેમ્પો અને એક મોબાઇલ ફોન મળી કુલ્લે રૂપિયા 43,81,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે સાથે ટેમ્પોચાલક નરેન્દ્ર ગુજ્જરની ધરપકડ કરી હતી.
પી.આઇ. કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ટેમ્પોમાંથી 495 પેટી દારૂ લઇ વડોદરા આવી રહેલા ટેમ્પો ચાલક નરેન્દ્ર ગુજ્જરની કડકાઇ પૂર્વક પુછપરછ કરતા ચાલકે જણાવ્યું હતું કે, દારૂ ભરેલો ટેમ્પો સુરત પાસેથી લીધો હતો. સુરત પાસે દારૂ ભરેલો ટેમ્પો હોવાની માહિતી દિલ્હીના પ્રદિપે વ્હોટ્સએપ કોલ કરીને આપી હતી. આ સાથે તેણે વડોદરા પહોંચી વ્હોટ્સએપ કોલ કરવા માટે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પોલીસ તપાસમાં દારૂના જથ્થા સાથે ઝડપાયેલો નરેન્દ્ર ગુજ્જરને વર્ષ 2022માં એક્સપ્રેસ વે ઉપરથી દારૂ સાથે ઝડપાયો હતો. તે બાદ કરજણ વલણ ગામ પાસેથી 495 પેટી દારૂ વડોદરા લાવતા ઝડપાયો છે. એલસીબીએ આરોપી સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.