વડસલા પાસે કન્ટેઇનર ડેપો બનાવવા સંપાદિત કરેલી જમીનના વળતર પેટે 18 ખેડૂતોને 22 કરોડ ચૂકવાયા

રેલ્વેના કન્ટેઇનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ડેપો બનાવવા જમીન સંપાદિત કરાઇ હતી

MailVadodara.com - 22-crore-paid-to-18-farmers-as-compensation-for-land-acquired-for-building-container-depot-near-Vadsala

- 8 હેક્ટર જમીન માટે 22 કરોડ ચૂકવાયા, સરેરાશ એક ખેડૂતને 1.22 કરોડ વળતર મળ્યું

રેલ્વેના કન્ટેઇનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ડેપો બનાવવા માટે સંપાદિત કરવામાં આવેલી જમીનના વળતર પેટે વડસલા ગામના 18 ખેડૂતોને એક સાથે રૂ.22 કરોડ ચૂકવવામાં આવ્યા છે. ખેડૂતોની સહમતિ સાથે આ માતબર રકમનું વળતર વડોદરા શહેર પ્રાંત અધિકારી અને ખાસ જમીન સંપાદન અધિકારી દ્વારા ચૂકતે કરવામાં આવ્યું હતું. 

વડોદરાના પાદરામાં પસાર થઇ રહેલા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના અનુસંધાને વડસલા ગામ પાસે કન્ટેઇનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (કોનકોર) ડેપો બનાવવામાં આવે છે. આ ડેપોના નિર્માણ માટે જમીન સંપાદન કરવાની કાર્યવાહી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. જમીન સંપાદનમાં જવાના કારણે ખેડૂતોને આર્થિક હિતને નુકસાન ના થાય એ રીતે કાર્યવાહી ઝડપથી કરવા માટે કલેક્ટર બિજલ શાહ અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેને ધ્યાને રાખીને વડોદરા શહેર પ્રાંત અધિકારી વી. કે. સાંબડ દ્વારા વડસલા ગામના ખેડૂતો સાથે પરામર્શ કરી વળતર માટે સહમતી સાધવામાં આવી હતી.


રાજ્ય સરકાર દ્વારા આ માટે 25 ટકા વધારાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી, તેના પગલે શહેર પ્રાંત કચેરી દ્વારા ત્વરિત ચૂકવણી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખેડૂતોને એક સાથે આમંત્રિત કરી તેમના સૂચનો સાંભળવામાં આવ્યા હતા અને 25 ટકા વધારાના વળતર સાથે સંપાદન માટે સહમતી સાધવામાં આવી હતી. 

આમ, કુલ 18 ખેડૂતોને 8 હેક્ટર જમીન માટે રૂ.22 કરોડ ચૂકવવાના થતાં હતા. સરેરાશ જોઇએ તો એક ખેડૂતને રૂપિયા 1.22 કરોડ વળતર મળ્યું છે. આટલી માતબર રકમનું વળતર મળતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી વ્યાપી હતી. ધારાસભ્ય અક્ષયભાઇ પટેલ, પ્રાંત અધિકારી વી. કે. સાંબડ દ્વારા એક જ દિવસે આ તમામ ખેડૂતોને વળતરના ચેક આપવામાં આવ્યા હતા.

Share :

Leave a Comments