રિઝર્વ બેન્કના આદેશ પછી આજથી બેન્કોમાં બે હજારની ચલણી નોટ બદલવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજે સામાન્ય ઘસારો જોવા મળ્યો હતો. આજે અંદાજે છ કરોડની નોટ વડોદરાની બેન્કોમાં જમા થઇ હતી.
શુક્રવારે સાંજે રૂપિયા ૨૦૦૦ની નોટ ચલણમાંથી પરત ખેંચવાનો નિર્ણય આરબીઆઇએ જાહેર કર્યો હતો. સાથે એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે, જે લોકોએ રૂપિયા ૨૦૦૦ની નોટના બદલામાં અન્ય દરની નોટો જોઇએ છે તે લોકો માટે મંગળવારથી બેન્કોમાં જઇને નોટ બદલી શક્શે. આ સુવિધા ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે અને એક વ્યક્તિ એક દિવસમાં રૂપિયા ૨૦,૦૦૦ના મુલ્યની રૂપિયા ૨૦૦૦ની નોટ અન્ય નોટ સાથે એક્સેચેન્જ કરાવી શક્શે. ખાતેદારે જો પોતાના ખાતામાં નોટ જમા કરાવવી હશે તો તેના માટે કોઇ મર્યાદા નથી. શહેરમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, સેન્ટ્રલ બેન્ક, બેન્ક ઓફ ઇન્ડિયા સહિતની વિવિધ રાષ્ટ્રિયકૃત અને ખાનગી બેન્કોની વડોદરામાં લગભગ ૪૭૫થી વધુ શાખાઓ આવેલી છે.
આજે પ્રથમ દિવસે શહેરની બેન્કોમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. નોટ જમા કરાવવાની મુદ્દત લાંબી હોવાથી લોકોનો ઘસારો નહતો. આજે બે હજારની નોટ માટે બેન્કમાં આવેલા ગ્રાહકો પૈકી ૩૦ ટકા ગ્રાહકોએ નોટ બદલી હતી. જ્યારે અન્ય ખાતેદારોએ બેન્કમાં નોટ જમા કરાવી દીધી હતી.