- હરણી પોલીસે આરોપી કરણ પરમારને ઝડપી પાડ્યો હતો
શહેરના હરણી વિસ્તારમાં છ મહિના પહેલાં હવસખોરનો ભોગ બનેલી તરૂણી ગર્ભવતી બનતાં પોલીસે બળાત્કારીને ઝડપી પાડયો છે.
શહેરના હરણી વિસ્તારમાં તા.6-12-2020ના રોજ બનેલા બનાવ અંગે પીડિતાની શ્રમજીવી માતાએ પોલીસને જણાવ્યું હતું કે, મારી પુત્રી કામ અર્થે બહાર જઇ રહી હતી ત્યારે તેનો પીછો કરતા કરણ નામના યુવકે વાતોમાં ફોસલાવી હતી અને મેદાનમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. હવસખોરે આ બનાવ બાદ પીડિતાને આ વાતની કોઇને જાણ કરીશ કે પોલીસ ફરિયાદ કરીશ તો તને અને તારા મા-બાપને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ ઉપરોક્ત બનાવ બાદ સાડા બાર વર્ષની પુત્રી ગર્ભવતી બની હતી. આ બનાવ અંગે હરણી પોલીસે આરોપી કરણ રણજીતભાઇ પરમાર (રહે. પંચાલ ફળિયું, હરણી)ને ઝડપી પાડયો હતો. મેડિકલ ટેસ્ટ દરમિયાન જન્મેલા બાળકનો પિતા કરણ હોવાનું જણાઇ આવ્યું હતું. આ કેસ પોક્સો સ્પેશ્યલ કોર્ટના જજ એમ.ડી.પાંડેય સમક્ષ ચાલી જતા આરોપીને કસુરવાર ઠેરવીને 20 વર્ષની સખત કેદ કરવામાં આવી છે. સરકાર તરફે વકીલ પરેશ પટેલે રજૂઆતો કરી હતી.