સાવલીમાં લગ્નના ઇરાદે ભગાડી જઇ 12 વર્ષની સગીરા સાથે બળાત્કાર ગુજારનાર આરોપીને 20 વર્ષની કેદ

પાડોશીને ત્યાં મહેમાન બનીને આવેલો પાડોશીના સાળો સગીરાને ભગાડી ગયો હતો

MailVadodara.com - 20-years-imprisonment-for-the-accused-who-raped-a-12-year-old-girl-in-Savli-with-the-intention-of-getting-married

- ભોગ બનનાર પીડિતાને રૂપિયા 4 લાખ વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ કર્યો

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના એક ગામમાં 12 વર્ષની સગીરાના પાડોશીને ત્યાં મહેમાન બનીને આવેલા પાડોશીના સાળાએ સગીરાને લગ્ન કરવાના ઇરાદે ભગાડી જઇને તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની હતી. 2021ના મે મહિનામાં બનેલી આ બહુચર્ચીત ઘટનામાં સાવલીના સ્પેશ્યલ જજ (પોક્સો) અને એડીશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ જે. એ. ઠક્કરે આરોપીને તકસીરવાન ઠેરવીને 20 વર્ષની સજા ફટકારી છે. આ ઉપરાંત ભોગ બનનારને રૂપિયા 4 લાખ વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.

આ બનાવની વિગત એવી છે કે, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના એક ગામમાં એક પરીવાર રહે છે. તેમની 12 વર્ષની દિકરી ઘરની બહાર શૌચ કરવા નિકળી હતી. એક કલાક સુધી તે પરત ફરી ન હતી. તેની તપાસ દરમિયાન તે તેમના પાડોશમાં રહેતા સુનીલભાઇ સુરેશભાઇ નાયકના ઘરે 10 દિવસ અગાઉ આવેલ તેમનો સાળો મહેશભાઇ બાબુભાઇ નાયક (રહે. મેવલીનગર, તા. સાવલી) પણ સુનીલભાઇના ઘરે હાજર ન હતો. બાદમાં જાણ થઇ હતી કે, મહેશભાઇ નાયક બાળાને પટાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો. આ મામલે ભાદરવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસને તપાસ દરમિયાન સગીરા ઘોઘંબાથી મળી આવી હતી. તે સમયે તેણે તેની પર જબરજસ્તીથી બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની વિગતો જણાવી હતી. આ ચકચારી બનાવમાં પોલીસે મહેશભાઇ બાબુભાઇ નાયકની પણ ધરપકડ કરી હતી. તપાસમાં તેણે ટુંડાવ ગામે કેનાલની બાજુમાં તથા ઘોઘંબા ખાતે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાનું બહાર આવ્યું હતું. આ કિસ્સામાં પોલીસે સાવલીના સ્પેશ્યલ જજ (પોક્સો) અને એડીશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ જે. એ. ઠક્કરની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં આ કેસ ચાલી જતા સરકારી વકીલ સી. જી. પટેલની દલીલો ગ્રાહ્ય રાખીને અદાલતે મહેશભાઇ નાયકને 20 વર્ષની સજા તથા 50 હજારનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત ગુજરાત વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ અંતર્ગત ભોગ બનનારને 4 લાખ વળતર પણ ચુકવવાનો આદેશ કર્યો હતો.

Share :

Leave a Comments