- લક્ષ્યાંક પૂર્ણ કરવા સીલ મારવાની કામગીરી ૩૧ માર્ચ સુધી ચાલુ રહેશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી વેરાની કડક રાહે વસૂલાત કરવામાં આવી રહી છે. તા. ૩૦ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૧૨ દિવસમાં ૨૦ હજારથી વધુ મિલકતો સીલ કરવામાં આવી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાલુ નાણાકીય વર્ષનો સામાન્ય કરની આવકનો લક્ષ્યાંક ૭૨૪ કરોડ છે. જેમાંથી અત્યાર સુધીમાં ૫૩૫ કરોડની વસૂલાત થઈ છે. લક્ષ્યાંક પૂર્ણ કરવા સીલ મારવાની કામગીરી ૩૧ માર્ચ સુધી ચાલુ રહેશે. અગાઉ બાકી વેરો ભરી દેવા માટે મિલકત ધારકોને નોટિસ અને વોરંટ બજાવવામાં આવ્યા હતા. હાલ કોર્પોરેશનના તમામ વોર્ડમાં વેરાની વસુલાત કડકરાહે કરવા સૂચના આપી દેવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા બાકી વેરો વસૂલ થાય તે માટે રહેણાંક અને બિન રહેણાંક મિલકતોમાં ૮૦ ટકા વ્યાજ માફીની યોજના અમલમાં મૂકાઈ છે. જેનો લાભ લઈ બાકીનો વેરો ભરપાઈ કરી દેવાનું જણાવાયું છે.