બિપરજોય વાવાઝોડાને પગલે વડોદરા ફાયરબ્રિગેડની 2 ટીમો દ્વારકા અને જૂનાગઢ રવાના થઇ, NDRFની 18 ટીમો તૈનાત

આજે `બિપરજોય' જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની શક્યતા, બોટ સહિતનાં રેસ્ક્યૂના સાધનોથી સજ્જ ટીમો રવાના

MailVadodara.com - 2-teams-of-Vadodara-Fire-Brigade-dispatched-to-Dwarka-and-Junagadh


બિપરજોય વાવાઝોડાને પગલે સમગ્ર તંત્ર હાલ એલર્ટ થઈ ગયું છે, ત્યારે વડોદરા ફાયરબ્રિગેડની 2 ટીમો બચાવ કામગીરી માટે દ્વારકા અને જૂનાગઢ રવાના થઈ ગઈ છે. 1 સ્ટેશન ઓફિસર, 1 સબ ફાયર ઓફિસર અને 10 ફાયરમેનની ટીમ આજે દ્વારકા પહોંચી જશે. આ ઉપરાંત 1 સબ ફાયર ઓફિસર અને 10 ફાયરમેનની એક ટીમ આજે જૂનાગઢ પહોંચશે.

ગુજરાતના દરિયા કાંઠે મંડરાઇ રહેલા બિપરજોય વાવાઝોડાના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના આદેશ મુજબ વડોદરાથી ફાયરબ્રિગેડની 2 ટીમને રેસ્ક્યૂ અને ઇમર્જન્સી માટે દ્વારકા અને જૂનાગઢ મોકલવામાં આવી છે. બચાવ કામગીરી માટે બોટ અને રસ્સા સહિતની તમામ સાધનોથી ટીમોને સજ્જ કરીને મોકલવામાં આવી છે.


આ પહેલા વડોદરા નજીક જરોદ NDRFની બટાલિટન 6ની 13 અને ગાંધીનગરથી 5 સહિત કુલ 18 ટીમો ગુજરાતના દરિયાકાંઠે તૈનાત કરી દેવામાં આવી છે. સૌરાષ્ઠ, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આ ટીમોને તૈનાત કરવામાં આવી છે અને કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટીમો તમામ આધુનિક સાધનોથી સજ્જ છે.

આજે બિપરજોય વાવાઝોડાની ગુજરાતમાં એન્ટ્રી થશે. અરબી સમુદ્રમાં વાવાઝોડું બિપરજોય સૌરાષ્ટ્ર-કચ્છ તરફ ઝડપી પવન સાથે આગળ વધી રહ્યું છે. દરિયામાં આ વાવાઝોડું 3 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. આ સ્પીડ વધી શકે છે. 'બિપરજોય' વાવાઝોડું આજે જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે, ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. આજે સાંજ સુધીમાં જખૌની નજીક માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે બીપરજોય લેન્ડફોલ થશે. વાવાઝોડું દરિયાકાંઠે ટકરાશે ત્યારે પવનની ઝડપ 150 kmph સુધી રહેશે.

વાવાઝોડાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ કપનીની 60 ટીમો રવાના

ગુજરાતના માથે તોળાઇ રહેલા ભયાનક બિપરજોય ચક્રવાતે હાહાકાર મચાવી મૂક્યો છે. રાજ્ય સરકાર દ્વારા ચક્રવાતમાં સંભવિત થનાર નુકશાનમાં કામ કરનાર સબંધિત વિભાગોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જેમાં મધ્ય ગુજરાત વીજ કંપનીને પણ બિપરજોય ચક્રવાતને લઇ એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા 60 વીજ કર્મીઓની ટીમોને જરૂરી સાધન-સામગ્રી સાથે વાવાઝોડાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તોરમાં તૈનાત કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, 10 કર્મચારીઓની એક ટીમ એવી 60 ટીમો રવાના કરવામાં આવી છે.

મળેલી માહિતી પ્રમાણે MGVCL દ્વારા દરીયા કાંઠાના દ્વારકા, જૂનાગઢ, પોરબંદર સહિતના મથકો ઉપર ટીમો રવાના કરવામાં આવી છે. વીજ કર્મચારીઓ દ્વારા અધિકારીઓની ટીમોને પણ રવાના કરવામાં આવ્યા છે. MGVCL દ્વારા 60 ટીમો રવાના કરવા સાથે કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી 100 કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખ્યા છે. તે સાથે કોઇ પણ ચક્રવાત અસરગ્રસ્ત વિસ્તારમાં વીજ પોલ જમીન દોસ્ત થઇ જાય ત્યાં નવો વીજ પોલ ઉભો કરી તત્કાલ વીજ પુરવઠો ચાલુ કરવા માટે 100 વીજ પોલ તૈયાર રાખ્યા છે. તે સાથે વીજ પાવરને લગતી તમામ સાધન સામગ્રી પણ તૈયાર રાખવામાં આવી છે. MGVCLના સુત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે બિપરજોય ચક્રવાતની અસર વડોદરા જિલ્લા સહિત મધ્ય ગુજરાતમાં થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. ત્યારે વડોદરા શહેર-જિલ્લા સહિત મધ્યગુજરાતના વિવિધ મુખ્ય મથકો ઉપર વીજ કર્મીઓની ટીમો તૈયાર રાખવામાં આવી છે. તે સાથે વીજ પોલ સહિતની સામગ્રી તૈયાર રાખવામાં આવી છે. વીજ કર્મચારીઓની સાથે તમામ મુખ્ય મથકો ઉપર ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા માટે સૂચના જારી કરી દેવામાં આવી છે.

Share :

Leave a Comments