દુમાડ નજીક આવેલી ટ્રાન્સપોર્ટ ઓફિસમાં અફીણનો સોદો કરતાં 2 શખ્સો ઝડપાયા

દુમાડમાં રાજસ્થાની શખ્સ અફીણ આપવા આવ્યો હતો

MailVadodara.com - 2-persons-were-caught-dealing-opium-in-the-transport-office-near-Dumad

પોલીસે ૬૧૬ ગ્રામ અફીણ, વર્ના કાર, બે મોબાઇલ અને રોકડ મળી કુલ 4.77 લાખની મતા જપ્ત કરી


શહેર નજીક દુમાડ ગામની સીમમાં આવેલી ટ્રાન્સપોર્ટ ઓફિસમાં અફીણના જથ્થાનો સોદો કરતાં 2 શખ્સોને 61 હજારના 616 ગ્રામ અફીણના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. રાજસ્થાનનો શખ્સ ન્યૂ સમા રોડના યુવકને અફીણનો જથ્થો વેચવા માટે આપવા આવ્યો હતો, તેવું તપાસમાં સપાટી પર આવ્યું છે.

દુમાડ ગામની સીમમાં આવેલી તરન તારણ ટ્રેલર સર્વીસ નામની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં 2 શખ્સો અફીણના જથ્થાનો સોદો કરી રહ્યા છે, તેવી બાતમી એસઓજી પીઆઈ જે.એમ.ચાવડાને મળી હતી. જેથી એસઓજી ટીમે ટ્રાન્સપોર્ટ ઓફિસમાં દરોડો પાડીને મનોજકુમાર બદ્રીલાલ સેન (ઉ.વ.42, ગણેશનગર કોલોની, જિ.ચિતોડગઢ, રાજસ્થાન) અને રવીન્દરસિંહ જાગીરસિંહ બાજવા (શ્રીરામ પાર્ક, ઉમિયાનગર, ન્યૂ સમા રોડ)ને 61 હજારના 616 ગ્રામ અફીણ સાથે ઝડપી પાડ્યા હતા. 


રાજસ્થાનથી આવેલા મનોજ પાસે એક નાની ડબ્બી મળી હતી. આ ડબ્બીમાં અફીણનો જથ્થો મળ્યો હતો જ્યારે અન્ય જથ્થા અંગે ટ્રાન્સપોર્ટ ઓફિસમાં તપાસ કરવા છતાં ત્યાં જથ્થો મળ્યો ન હતો. બાદમાં બંનેની પૂછપરછ કરતાં મનોજ સેન રાજસ્થાનથી અફીણની ડિલિવરી કરવા માટે વડોદરા આવ્યો હતો અને કારમાં જથ્થો પડયો છે તેમ જાણવા મળતાં પોલીસે કારમાં તપાસ કરતાં અફીણના પેકેટ મળ્યા હતાં. પોલીસે ૬૧૬ ગ્રામ અફીણ, વર્ના કાર, બે મોબાઇલ અને રોકડ મળી કુલ 4.77 લાખની મતા જપ્ત કરી હતી. 

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મનોજ સેને જણાવ્યું કે, રવીન્દરને અફીણનો જથ્થો વેચવા માટે આપવા આવ્યો હતો. અગાઉ પણ એકવાર રવીન્દરને અફીણ આપ્યું હતું. રવીન્દરને પણ અફીણ લેવાની આદત છે, તેવું તપાસમાં સપાટી પર આવ્યું છે. તરણ તારણ ટ્રાન્સપોર્ટમાં રવીન્દર પોતે કામ કરતો હોવાનું પણ ખૂલ્યું છે. આ અંગે મંજુસર પોલીસે ગુનો નોંધી જરોડ પીઆઈ બી.એલ.તડવીને તપાસ સોંપવામાં આવી છે.

Share :

Leave a Comments