- બે દિવસ સુધી હળવા દબાણથી અને દસ મિનીટના કાપ સાથે અપૂરતા પાણી વિતરણની સમસ્યા રહેશે
મે મહિનાના પ્રારંભે જ પાલિકાએ નિમેટા પાણી શુધ્ધિકરણ પ્લાન્ટના સંપની સફાઇ કરવાનુ મુર્હુત કાઢતાં શુક્રવારે પૂર્વ વિસ્તારના બે લાખ રહીશોને અઢી કરોડ લિટર પાણીથી વંચિત રહેવું પડશે. એટલું જ નહીં, બે દિવસ સુધી હળવા દબાણથી અને દસ મિનીટના કાપ સાથે અપૂરતા પાણી વિતરણની સમસ્યા પણ રહેશે. સયાજીરાવ ગાયકવાડની ભેટ આજવા સરોવર ચોમાસાની માફક છલોછલ છે. તેના કારણે પાલિકાને ઉનાળામાં નર્મદાના નીર ખરીદવા પડશે નહીં. જોકે, પાલિકાના પાણી પુરવઠા પ્રોજેકટ અને વિતરણ વ્યવસ્થા વચ્ચે સંકલનનો અભાવ છે અને તેના કારણે દુષિત પાણીની મોંકાણ યથાવત રહેવા પામી છે.
આ સંજોગોમાં, શહેરીજનોને શુધ્ધ પાણી મળી રહે તે માટે નિમેટા શુધ્ધિકરણ પ્લાન્ટના સંપની વર્ષમાં એેક વખત સફાઇ કરવામાં આવે છે. જે અન્વયે 5 મેના રોજ નિમેટાના આ પ્લાન્ટના સંપની સફાઇ કરવાની હોવાથી બાપોદ ટાંકી, કપૂરાઇ ટાંકી, સોમા તળાવ બુસ્ટર, નંદધામ બુસ્ટર, સંખેડા દશાલાડ બુસ્ટર અને મહેશનગર બુસ્ટરમાંથી પાણી મેળવતા બે લાખ નાગરિકોને શુક્રવારે બપોરે અને સાંજે પાણી વિતરણ કરવામાં આવશે નહીં. નિમેટા પ્લાન્ટના સંપની સફાઇ કરવાના કારણે પાલિકા 25 મિલીયન લિટર એટલે કે અઢી કરોડ લિટર પાણી વિતરણ કરી શકશે નહીં. નિમેટા પ્લાન્ટના સંપની સફાઇની કામગીરીના કારણે પાણીગેટ ટાંકી, ગાજરાવાડી ટાંકી, નાલંદા ટાંકી, આજવા ટાંકીમાંથી 5મેએ શુક્રવારે સાંજે અને 6ઠ્ઠીએ શનિવારે સવારે પાંચથી દસ મિનીટના પાણીકાપ સાથે હળવા દબાણથી પાણી વિતરણ કરવામાં આવશે.