- કંપનીમાં ઘઉંમાંથી મેંદો બનાવવાની કામગીરી ચાલી રહી હતી
- અન્ય એક મજૂર કંપનીના બીજા યુનિટમાં પાણી લેવા માટે ગયો હોવાથી તે બચી ગયો
વડોદરાના સાવલી તાલુકાના અલીન્દ્રા ગામની સીમમાં આવેલી પૂનમ રોલર ફ્લોર મિલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે સાયલો કોલેપ્સ થતાં દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં ઘઉંના જથ્થા નીચે 2 મજૂરો દટાઇ ગયા હતા. જેમાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે 1 મજૂરોને ગંભીર ઇજા પહોંચતા વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક મજૂર પાણી લેવા માટે જતા બચી ગયો હતો.
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, સાવલી તાલુકાના અલીન્દ્રા ગામની સીમમાં પૂનમ રોલર ફ્લોર મિલ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે. આ કંપનીના માલિક ઘનશ્યામ હરેશભાઇ લાલવાણી છે. જ્યારે કંપનીનું સંચાલન ચેતનભાઇ પ્રજાપતિ કરે છે. આ કંપનીમાં ઘઉંમાંથી મેંદો બનાવવામાં આવે છે. આ કંપનીમાં મોટા ટાંકા આવેલા છે, જેમાં ઘઉંનો જથ્થો રાખવામાં આવે છે. ગતમોડી રાત્રે કંપનીમાં કામગીરી ચાલી રહી હતી. દરમિયાન સાયલો કોલેપ્સ થતાં કામ કરી રહેલા બે મજૂરો ઇર્શાદ હસનભાઇ શેખ (ઉં.વ.22) અને આશુ મહંમદ (ઉં.વ. 32) 400 ટન ઘઉંના જથ્થા નીચે દબાઇ ગયા હતા. જેમાં ઇર્શાદ રોખનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક મજૂર કંપનીના બીજા યુનિટમાં પાણી લેવા માટે ગયો હોવાથી તે બચી ગયો હતો.
આ ઘટનામાં બચી ગયેલા અન્ય મજૂરે કંપનીના સંચાલક ચેતનભાઈ પ્રજાપતિને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. દરમિયાન બનાવની જાણ મંજુસર પોલીસને કરવામાં આવતા પી.આઇ. વી.એમ. ટાંક સ્ટાફ સાથે દોડી ગયા હતા. 3 ઉપરાંત જેસીબીની મદદથી ઘઉંના ઢગલાને દૂર કરી દટાઇ ગયેલા મજૂરોને બહાર કાઢ્યા હતા. જોકે, તેમાંથી ઇર્શાદ શેખનો મૃતદેહ બહાર કઢાયો હતો. જ્યારે આશુ મોહંમદને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સમાં વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
કંપનીના સંચાલન કરતા ચેતન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સાયલો કોલેપ્સ થઇ જવાના કારણે દુર્ઘટના સર્જાઇ છે. બે મજૂરો દટાઇ ગયા હતા, જેમાં એકનું મોત નીપજ્યું છે. મોતને ભેટેલા ઇર્શાદ નામના મજૂરના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. બીજા મજૂરની તબિયત સુધારા પર છે. અલીન્દ્ર પંથકમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે મંજુસર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ પી.આઇ. વી.એમ. ટાંક કરી રહ્યા છે.
મંજુસર પોલીસ મથકના પી.આઇ. વી.એમ. ટાંકે જણાવ્યું હતું કે, ઘઉંના ટાંકામાં ઘઉં ભરીને તેને પ્રોસેસ કરીને મેંદો બનાવવાનું કંપનીમાં કામ કરવામાં આવે છે. આ પ્રોસેસ દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં મૂળ દિલ્હીના રહેવાસી અને હાલમાં કંપનીમાં જ રહેતા ઇર્શાદ શેખ નામના મજૂર યુવાનનું મોત નીપજ્યું છે. જ્યારે આશુ મહંમદને ઇજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયો છે. એક મજૂર પાણી લેવા માટે ગયો હોવાથી બચી ગયો હતો. બંને મજૂરો 400 ટન જેટલા ઘઉંના જથ્થા નીચે દટાઇ ગયા હતા. આ કંપનીના માલિક ઘનશ્યામભાઇ લાલવાણી છે. હોળી-ધુળેટીની રજા હોવાના કારણે અન્ય મજૂરો રજા ઉપર હતા.