- સામાજિક કાર્યકર તેજસ બ્રહ્મભટ્ટે કહ્યું, સતાધીશો પાસે ભુવો પૂરવાનો ટાઇમ નથી, સ્માર્ટ સિટી વડોદરાનો પૂર્વ વિસ્તાર માત્ર કાગળ પર જ છે
વડોદરા શહેરમાં અવારનવાર ખાડા ભૂવા અને વરસાદી કાસ બેસી જવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે વઘુ એક પાલિકાની પોલ ખોલતો પુરાવો સામે આવ્યો છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં ભુવો પડતાં સામાજિક આગેવાને તંત્ર સામે રોષ ઠાલવ્યો છે.
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ આજવા રોડ પર શ્રી જ્ઞાન સાગર નેહરુ ચાચા પાસે 2 દિવસ પહેલાં નાનો ભૂવો પડ્યો હતો. બાદમાં તે ધીરે-ધીરે મોટો થઈ રહ્યો છે. જેને લઇ રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકી પડી રહી છે ત્યારે તંત્રનું ઘ્યાન દોરવા સામાજિક આગેવાન દ્વારા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામા આવ્યો છે.
આ અંગે સામાજિક કાર્યકર તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી આ વડોદરાનો પૂર્વ વિસ્તાર છે. કમલાનગર તળાવ પાછળ આવેલ નહેરુ ચાચા પાસેનો આ વિસ્તાર છે અને છેલ્લા બે દિવસથી આ ભુવો નાનો હતો જે હવે મોટો થઈ રહ્યો છે. પરંતુ એસી કેબીનમાં બેસી રહેલા અને બેલગામ અધિકારીઓ સ્માર્ટ સિટીના ઘોડા માત્ર કાગળ પર દોડાવી રહ્યા છે અને શાસક પક્ષનો તેના પર કોઈ અંકુશ નથી ત્યારે પ્રજાને હાલાકી પડી રહી છે.
વધુમાં જણાવ્યું કે, દિવસે ને દિવસે ભુવાની સાઈઝમાં વધારો થઈ રહ્યો છે ત્યારે નિંદ્રાદિન તંત્ર અને એસી કેબીનમાં બેઠેલા અધિકારીઓ વાહવાહી લૂંટી આ સતાધીશોને ભુવો પૂરવાનો ટાઇમ નથી. આસપાસ હજારો નાગરિકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે બાજુમાં જે શાકમાર્કેટ છે ત્યારે કોઈપણ નાગરિક આ ખાડામાં પડશે ત્યારે પાલિકા આ ખડાને પૂરશે. હજુ પણ સમય છે કે વડોદરા ને જો સ્માર્ટ સિટી બનાવવી હોય તો એસી કેમેન માંથી બહાર નીકળી અધિકારીઓ કામ કરે તેવી અમારી સ્પષ્ટ માંગણી છે.