- જીવદયા કાર્યકરોએ આશંકા વ્યક્ત કરી હતી કે, પશુઓને કતલ કરવાના ઈરાદે કતલખાને લઈ જવાતા હતા
અમદાવાદથી સુરત તરફ જતા હાઈવે પર કપુરાઈ બ્રિજની આગળ ટ્રકમાં ખીચો ખીચ ભરીને લઈ જતા પશુઓને બચાવી લેવામાં આવ્યા છે. આ તમામ પશુઓને સયાજીપુરા પાંજરાપોળ ખાતે મોકલી અપાયા છે.
વડોદરા શહેર નજીક કપુરાઈ બ્રિજની આગળ જીવદયા કાર્યકરોએ અમદાવાદથી સુરત તરફ જતા હાઈવે પર એક ટ્રક ઉભો રાખીને તપાસ કરતા તેમાં 19 ભેંસો ખીંચો ખીચ પગે દોરડા બાંધીને ભરેલી હતી. મૂંગા પશુઓને માટે ઘાસ ચારા અને પાણીની કોઈ વ્યવસ્થા ન હતી. જેથી જીવદયા કાર્યકરોએ પોલીસને જાણ કરતા મકરપુરા પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી અને મૂંગા પશુઓની સયાજીપુરા પાંજરાપોળ ખાતે લઈ ગયા હતા. ટ્રક ડ્રાઇવર એજાજ હુસેન યાકુબઈ ગારીયા રહેવાસી અહમદ કોલોની કહાની ગામ તાલુકો ભરૂચ હોવાનું જણાઈ આવ્યું હતું તે પોતે જ ટ્રકનો માલિક હતો.
મકરપુરા પોલીસે ટ્રક માલિક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જીવદયા કાર્યકરો એવી આશંકા વ્યક્ત કરી હતી કે આ મૂંગા પશુઓને કતલ કરવાના ઈરાદે કતલખાને લઈ જવામાં આવતા હતા. તેઓ પાસે પશુઓની હેરાફેરીની કોઈ પરમિટ ન હતી તેમજ વેટરનરી ડોક્ટરનું પણ કોઈ સર્ટિફિકેટ ન હતું.