વડોદરા નજીક આવેલી ગોલ્ડન ચોકડી પાસેથી કતલખાને લઇ જવાઇ રહેલી 18 ભેંસોને બચાવી લેવાઇ છે અને હરણી પોલીસે એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેર નજીક ગોલ્ડન ચોકડી ટોકનાકા પાસે જીવદયા પ્રેમીઓએ એક ટેમ્પોને રોક્યો હતો. જેમાંથી ખીચોખીચ ભરેલી 16 ભેંસ અને 2 પાડી મળી આવી હતી. આ પશુઓને ખીચોખીચ ભરેલા હોવાથી ઇજાગ્રસ્ત થયેલા હતા. જીવદયા પ્રેમીઓએ તુરંત જ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસની ગાડી આવી ગઇ હતી અને ટેમ્પોના ડ્રાઇવરનું નામ પૂછતા તેણે પોતાનું નામ મોહસીન હુસેન બુમલા (રહે. ગોધરા. જિ. પંચમહાલ) હોવાનું જણાવ્યું હતું. આ તમામ પશુઓને કતલખાને લઇ જવાઇ રહ્યા હતા. જો કે, જીવદયા પ્રેમીઓને સતર્કતાના કારણે 18 ભેંસોનો જીવ બચી ગયો હતો. હરણી પોલીસે આરોપી મોહસીન હુસેન બુમલા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.