પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભાયલી, સેવાસી અને બીલમાં સાત સ્થળે (ઇ.ડબલ્યુ.એસ) આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે તૈયાર કરેલા 1,067 મકાનોનો સરકારની ગ્રાન્ટ અને લાભાર્થીઓએ આપેલા નાણાં ઉપરાંત વધારાનો 18.25 કરોડ ખર્ચ વડોદરા કોર્પોરેશન ઉઠાવશે.
હાઉસિંગ ફોર મિશન હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાઈ છે. જેમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે બે ભાગમાં 30 ચોરસ મીટરના અને 31 થી 40 ચોરસ મીટર સુધીના મકાનો બનાવ્યા છે. વર્ષ 2018 થી 2020 સુધીમાં સયાજીપુરામાં 30 ચોરસ મીટરના 308 મકાનો, અટલાદરા કલાલીમાં 35 ચોરસ મીટરના 1900 મકાનો અને ગોત્રીમાં 440 મકાનો મળી કુલ 2802 મકાનો 230 કરોડના ખર્ચે તૈયાર કરાયા છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની મકાન દીઠ સહાય અને વેચાણ કિંમત સાથે વધારાનો 13.44 કરોડ ખર્ચ કોર્પોરેશનને ઉઠાવ્યો છે. વર્ષ 2021 થી 22 સુધીમાં ભાયલી, સેવાસી અને બીલ ગામમાં છ સ્થળે 82.49 કરોડના ખર્ચે 831 મકાન બનાવ્યા હતા. તેમાં લાભાર્થીઓના ભાડા અને સરકારી સહાય ઉપરાંત 11.87 કરોડ વધારાનો ખર્ચ આર્થિક રીતે નબળા વર્ગના લોકો હોવાથી કોર્પોરેશનને ઉઠાવવાનો થશે. વર્ષ 2022-23 માં ભાયલીમાં 26.43 કરોડના ખર્ચે 40 ચોરસ મીટર સુધીના 236 મકાનમાં બનાવ્યા છે. તેનો વધારાનો ખર્ચ 6.37 કરોડ કોર્પોરેશન ઉઠાવશે. આમ, બંને મળી કુલ 1067 મકાનો થાય છે, જેનો વધારાનો ખર્ચ 18.25 કરોડ છે. આ સંદર્ભે નીતિવિષયક નિર્ણય લેવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત મંજૂરી માટે મૂકવામાં આવી છે.