નર્મદા નદી અને મહીસાગરમાં પુર આવવાને કારણે વડોદરા જિલ્લામાં કેટલાક સ્થળે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જેને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી છે. નર્મદા અને મહીસાગરમાં પાણી છોડાતાં ઘોડાપૂર આવ્યું છે.
વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી ઉપરોક્ત નદીઓ પસાર થતી હોવાથી કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરી સ્થળાંતર કરવામાં આવ્યું છે. બીજી તરફ પૂરના પાણી તેમજ વરસાદી કાંસના પાણી ફરી વળવાને કારણે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓનો વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. રસ્તાઓ બંધ થવાને કારણે ખેડૂતોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે.
વડોદરા જિલ્લાના જુદા-જુદા છ તાલુકાના કુલ ૧૭ રસ્તાઓ પર હાલ પુરતો વાહનવ્યવહાર બંધ છે. પૂરના પાણી ઓસરી રહ્યા હોવાથી આવતીકાલે વાહનવ્યવહાર શરૂ થઇ જાય તેવી શક્યતા છે. જો કે કેટલાક વિસ્તારોમાં કિચડને કારણે મુશ્કેલી પડી રહી છે.
ક્યા તાલુકામાં ક્યા રસ્તા બંધ થયા
શિનોરના દિવેર-મઢી માર્ગ, દિવેર-સુરાશામળ માર્ગ, મોટા ફોફળિયા-ઝાંઝડ- અનસુયા માર્ગ, દરિયાપુર રોડ એપ્રોચ રોડ, માલસર-માંડવા રોડ.
ડભોઇના ચાણોદ-ભીમપુરા રોડ, માંડવા-કરનાળી રોડ, દંગીવાડા-નારણ પુરા, કરાલીપુરા-નારણપુરા રોડ, માંડવા-કરનાળી, ચાણોદ-ભીમપુરા-બદ્રિકાશ્રમ રોડ.
વાઘોડિયાના મઢેલી-ફ્લોડ-વ્યારા રોડ.
કરજણના ઓઝથી પુરા રોડ.
સાવલીના લહેરીપુરા-ગુલાબપુરા-ન્હારારોડ.
વડોદરાના શેરખી મોટા ભાગથી નાના ભાગનો રોડ