ડભોઇના કારવણ ગામેથી પ્રતિદિન 17 લિટર દૂધ આપતી બન્ની જાતીની ભેંસની ઘર આંગણેથી ચોરી

વહેલી સવારે પરિવાર દૂધ કાઢવા જતા કમાઉ દીકરા સમાન પશુને ન જોતા ચોંકી ઉઠ્યું

MailVadodara.com - 17-liter-of-milk-per-day-Banni-buffalo-stolen-from-Karvan-village-of-Dabhoi

- પશુ ચોર ટોળકી સક્રિય થતાં પશુ પાલકોમાં ગભરાટ ફેલાઇ ગયો

વડોદરાના ડભોઇ તાલુકાના કારવણ ગામમાં ઘર આંગણે બાંધેલા દૂધાળા પશુની ચોરી થતાં ચકચાર મચી ગઇ હતી. આ દૂધાળું પશુ બન્ની જાતીનું હતું અને પ્રતિદિન સવારે સાડા આઠ લિટર અને સાંજે સાડા આઠ લિટર દૂધ મળી રોજનું 17 લિટર દૂધ આપતું હતું. 11 વર્ષની ઉંમરના પશુની થયેલી ચોરીના બનાવ અંગે પશુ માલિકે ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ડભોઇ પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે કારવણ ગામમાં રહેતા ચંપાબહેન હિરાલાલ રોહિત પશુપાલનનો વ્યવસાય કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની બન્ની જાતનું પશુ ઘર આંગણે બાંધ્યું હતું. દરમિયાન તા.13 જુલાઇની વહેલી સવારે કોઇ અજાણ્યા શખસો પશુની ચોરી કરી ગયું હતું. પરિવાર સવારે દૂધ કાઢવા માટે ઘરની બહાર નીકળતા પોતાના કમાઉ દીકરા સમાન પશુને ન જોતા ચોંકી ઉઠ્યું હતું. પરિવારે આસપાસમાં તપાસ કરી હતી, પરંતુ મળી ન આવતા તેઓએ ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતો.

માલિક ચંપાબહેન રોહિતે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પશુની ઉંમર 11 વર્ષની છે. તેણે ફેબ્રુઆરી-2023માં બચ્ચાને જન્મ આપ્યો હતો. બચ્ચાને જન્મ આપ્યા બાદ તે રોજ સવાર-સાંજ થઇને 17 લિટર દૂધ આપતું હતું. દૂધની આવકમાંથી પરિવારનું ગુજરાન ચાલતુ હતું. આ પશુ બન્ની જાતીનું હતું અને તેની કિંમત રૂપિયા 70 હજાર છે. કોઇ અજાણી વ્યક્તિઓ 13 જુલાઇની વહેલી સવારે ઘર આંગણે ખીલે બાંધેલું પશુ ચોરી કરી ગયું છે.

છેલ્લા કેટલાંક સમયથી જિલ્લામાં તસ્કરો ઘર ફોડ ચોરી કરીને પોલીસ તંત્રને દોડાવી રહ્યું છે. ત્યાં પશુ ચોર ટોળકી સક્રિય થતાં પશુ પાલકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. કારવણ ગામમાંથી દૂધાળા પશુની થયેલી ચોરીએ અન્ય પશુ પાલકોમાં ગભરાટ ફેલાવી દીધો છે. હાલ ડભોઇ પોલીસે પશુ માલિકની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments