- વન્ય જીવોમાં કોબરા સાપ-1, વાઈપર સાપ-1, ધામણ સાપ 3, બ્રોન્ઝ બેક સાપ-1, સોફ્ટ-શેલ કાચબો-1, સોફ્ટ-શેલ કાચબાના ઈંડા - 15, પાટલા ઘો-1, ખેત બગલો-1 નો સમાવેશ
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ડી- સીલ્ટીંગની કામગીરી સમયે વન્યજીવોને નુકસાન ન પહોંચે તે માટે આવશ્યક સંજોગોમાં વન્યજીવોને સયાજીબાગ પ્રાણી સંગ્રહસ્થાન ખાતે સ્થળાંતર કરવામાં આવી રહ્યા હોય જે અંતર્ગત કાચબાના 15 ઇંડા સાથે 9 વન્યજીવોનું સલામત રીતે રેસ્ક્યુ કરી સ્થળાંતર કરાયું છે.
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં અવારનવાર પૂરની પરિસ્થિતિ સર્જાતી રહે છે, જેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા તજજ્ઞોની કમિટીની નિમણૂક કરી સમગ્ર અહેવાલ કમિટીએ મુખ્યમંત્રીને સુપ્રત કર્યો હતો. જે બાદ વિશ્વામિત્રી નદીની 24.70 કી.મી.ની લંબાઈમાં ચેનલ મોડીફીકેશનની જરૂરિયાત મુજબ નદીની ચેનલ સેક્સનમાં સીલ્ટીંગ તથા ડેબ્રિસનો નિકાલ કરવા કામગીરીને ચાર ભાગમાં વહેંચી છે.
દેણાથી કાશીબા હોસ્પિટલ, ભીમનાથ બ્રિજ, વડસર બ્રિજ, તલસટ ગામ થઈ મારેઠા સ્મશાન સુધી નદીમાં આ કામગીરી ચાલી રહી છે. 9 માર્ચથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે 30 મે સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. નદીમાં ડી- સીલ્ટીંગની કામગીરી સમયે વન્યજીવોને નુકસાન ન પહોંચે તે માટે ઝૂ વિભાગ દ્વારા વિવિધ એનજીઓના સ્વયંસેવકોને સાથે રાખી વન્યજીવોનું જરૂરિયાત મુજબ વન વિભાગની દેખરેખ હેઠળ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. અને આવશ્યક સંજોગોમાં વન્યજીવોને સયાજીબાગ પ્રાણી સંગ્રહસ્થાન ખાતે સ્થળાંતર પણ કરાઈ રહ્યા છે. કામગીરી દરમિયાન નદીમાંથી કાચબાના 15 ઇંડા અને 09 વન્યજીવોનું સલામત રીતે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે રિલીઝ કરાયા છે. જેમાં કોબરા સાપ - 1, વાઈપર સાપ - 1, ધામણ સાપએ 3, બ્રોન્ઝ બેક સાપ - 1, સોફ્ટ-શેલ કાચબો - 1, સોફ્ટ-શેલ કાચબાના ઈંડા - 15, પાટલા ઘો - 1, ખેત બગલો - 1 નો સમાવેશ થાય છે.