વડોદરામાં કાલે વીજ પુરવઠો બંધ રહેતા 14 ટાંકી અને 8 બુસ્ટરના કમાંડ વિસ્તારમાં પૂરતું પાણી નહીં મળે!!

નંદેસરી સબ સ્ટેશન ખાતે 66 કેવી લાઇનનું મેન્ટેનન્સ કરવા વીજ પુરવઠો બંધ રહેશે

MailVadodara.com - 14-tanks-and-8-boosters-will-not-get-enough-water-in-the-command-area-in-Vadodara-tomorrow-when-the-power-supply-is-off

- આવતીકાલે રવિવારે તા.9 ના રોજ સવારે 7 થી 11 કલાક સુધી શટડાઉન લેવાશે

વડોદરામાં આવતીકાલે અડધા શહેરમાં પાણીની તકલીફ ઊભી થશે. એમજીવીસીએલ/જેટકો દ્વારા 66 કે.વી નંદેસરી સબસ્ટેશન ખાતે મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી વીજ પુરવઠો બંધ રહેશે. જેના કારણે મહી નદી ખાતેના ત્રણ ફ્રેન્ચ કુવાના પંપો પૂરતી કેપેસિટીથી ચલાવી શકાશે નહીં, પરિણામે પાણીની ઘટ પડશે અને તેની અસર વડોદરાના પાણી પુરવઠા ઉપર થવાની છે. મેન્ટેનન્સની કામગીરી કરવા આવતીકાલે રવિવારે તા.9 ના રોજ સવારે 7 થી 11 કલાક સુધી શટડાઉન લેવામાં આવશે. 

આશરે ચાર કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેવાના કારણે વડોદરા કોર્પોરેશનના મહી નદી ખાતે આવેલા ફાજલપુર, રાયકા તથા દોડકા ફ્રેન્ચવેલ ખાતે સ્પેર ફીડર પર વીજ પુરવઠો મેળવી રાબેતા મુજબ કરતા ઓછા પંપસેટ ચલાવવામાં આવશે. જેના લીધે પૂરતું પાણી મળી શકશે નહીં, પરિણામે ફાજલપુર તથા રાયકા-દોડકા ફ્રેન્ચવેલ ખાતેથી પાણી મેળવતી શહેરની વિવિધ ટાંકીઓ પૈકી છાણી ગામ 24x7 ટાંકી, છાણી, સમા, ટી.પી.-13, સયાજીબાગ, જેલ, લાલબાગ, પૂનમ નગર, નોર્થ હરણી, કારેલીબાગ, આજવા, પાણીગેટ, નાલંદા અને ગાજરાવાડી ટાંકી તેમજ નવીધરતી બુસ્ટર, વ્હીકલ પુલ બુસ્ટર, સાધના નગર, બકરાવા ડી, એરપોર્ટ, વારશીયા, ખોડીયારનગર અને સંખેડા દશાલાડ બુસ્ટરના કમાન્ડ વિસ્તારોમાં તા.9 રોજ પાણીનું વિતરણ લો પ્રેશરથી, ઓછા સમય માટે અને નિયત સમય કરતા મોડેથી કરવામાં આવશે. હાલ ઉનાળાના દિવસોમાં લાઈન લીકેજના પ્રશ્નો છે. ગંદા પાણીના પ્રશ્નો છે. લોકોને પૂરતું પાણી મળતું નથી, ત્યારે અડધા શહેરમાં ઓછા સમય માટે અને અપૂરતું પાણી મળવાના લીધે પાણીની 14 ટાંકીઓ અને 8 બુસ્ટરના કમાંડ વિસ્તારમાં પાણીની રામાયણ સર્જાશે.

Share :

Leave a Comments