- આરોપીએ બનાવટી જોઇનિંગ લેટર અને આઇકાર્ડ આપ્યા હતા
- આરોપીએ અગાઉ રાજકોટના 6 ઉમેદવારોને રેલવેમાં નોકરી અપાવવાની લાલચે દિલ્હી લઇ ગયો હતો
દિવ્યાંગ યુવકને પોસ્ટ ઓફિસમાં ક્લાર્કની સરકારી નોકરી અપાવવાના બહાને 14 લાખ રૂપિયા પડાવીને પોસ્ટ ઓફિસના સહી સિક્કાવાળો બનાવટી જોઇનિંગ લેટર અને આઇકાર્ડ આપી ઠગાઇનો ગુનો કરી નાસતા-ફરતા આરોપીની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
જુનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે સરકારી નોકરી અપાવવાના બહાને નોકરીના બનાવટી ઓર્ડર આપી રૂપિયા મેળવી ઠગાઇ કરવાના ગુનાના સંડોવાયેલ આરોપી શખસ નામે ઇકબાલ અહેમદ ઉર્ફે મુન્નો અબ્દુલકરીમ ખત્રી (રહે. રાજપીપળા જી.નર્મદા) નાસતો ફરતો હતો અને આરોપી હાલ વડોદરામાં કોઇ જગ્યાએ આશ્રય લેતો હોવાની માહિતી વડોદરાક્રાઇમ બ્રાન્ચના પીઆઈને મળી હતી. જેથી, આરોપીની હ્યુમન તેમજ ટેક્નિકલ સોર્સ આધારિત સતત તપાસ કરીને વડોદરાના માંડવી વિસ્તારમાંથી શોધી કાઢ્યો હતો અને વિસાવદર પોલીસ સ્ટેશનની ટીમે વડોદરા આવીને આરોપીની ધરપકડ કરી હતી.
આરોપી ઇકબાલઅહેમદ ઉર્ફે મુન્નો અબ્દુલકરીમ ખત્રી સામે વિસાવદર પોલીસ સ્ટેશનમાં તા. 13/01/2025ના રોજ નોંધાયેલ ફરિયાદ પ્રમાણે આરોપીઓએ પૂર્વ આયોજીત કાવતરૂ રચીને 30 વર્ષીય દિવ્યાંગ યુવકને અમદાવાદની ગુજરાત પોસ્ટ ઓફિસમાં ક્લાર્ક તરીકેની સરકારી નોકરીમાં લગાડવાની લાલચ આપી હતી અને તા.06/09/2024થી તા.13/01/2025 દરમિયાન ફરિયાદીના દીકરાના નામનો ગુજરાત પોસ્ટ ઓફિસમાં ક્લાર્ક તરીકેનો પોસ્ટ ઓફિસને લગતા ચિત્રો તથા સહી તથા INDIA POST GOVT. OF INDIA રાઉન્ડ શીલ તથા સિક્કાનો ખોટો બનાવટી જોઇનીંગ લેટર બનાવ્યો હતો અને બનાવટી આઇ કાર્ડ બનાવીને ફરિયાદી પાસેથી 14 લાખ પડાવ્યા હતા અને બનાવટી જોઇનીંગ લેટર તથા આઇ કાર્ડ આપીને છેતરપીંડી આચરી હતી.
આ પકડાયેલ આરોપી ઇકબાલ અહેમદ ઉર્ફે મુન્નો અબ્દુલકરીમ ખત્રી અગાઉ પણ વર્ષ 2021માં રાજકોટમાં 6 ઉમેદવારોને રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવાનોને દિલ્હી ખાતે લઇ ગયો હતો અને ભોગ બનનાર ઉમેદવારોની કોઇપણ જાતની મૌખિક કે લેખિત પરીક્ષા લીધા વગર ખોટા અને બનાવટી રેલવેની નોકરીના ઓર્ડરો આપી 68 લાખની રકમ મેળવી ઠગાઇ કરી હતી. જે અંગે રાજકોટ શહેર ડી.સી.બી.પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો.
આ ગુનામાં આરોપી 8 મહિના જેલમાં રહ્યો હતો તેમજ આ પકડાયેલ આરોપી સામે ગુજરાત રાજ્યના રાજપીપળા, સુરત, ગાંધીનગર ખાતે ચેક બાઉન્સ થવા અંગેના નેગોશિયલ ઇંસ્ટ્રુમેનન્ટ એકટ હેટળના કોર્ટમાં કેસો થયેલા છે.