- પેટ્રોલપંપના સંચાલકે ભેજાબાજ સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
શહેર નજીક ઓમકારપુરાથી આજોડ તરફ જતી બુલેટ ટ્રેનના નિરમા પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું જણાવી પેટ્રોલ-ડીઝલ પંપના સંચાલકને વિશ્વાસમાં લીધો હતો. સમયાંતરે વિવિધ વાહનોમાં 16 હજાર લિટર ડિઝલ પૂરાવ્યુ હતું. દરમિયાન આ ડીઝલના 14.19 લાખ ચૂકવ્યા નહોતા. આ બનાવ અંગે પેટ્રોલપંપના સંચાલકે ભેજાબાજ સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે મંજુસર પોલીસ મથકમાં પેટ્રોલ પંપનુ સંચાલન કરતા યોગેન્દ્રસિંહ રણજીતસિંહ વાઘેલા (રહે. દુમાડ ગામ, મોટુ ફળિયુ, વડોદરા)એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ દુમાડ ગામમાં વાઘેશ્વરી પેટ્રોલ-ડીઝલ પંપ ચલાવે છે. પેટ્રોલ પંપની ઓફિસમાં વર્કરો તથા હિસાબ કિતાબ માટે મેનેજર તરીકે પૃથ્વીરાજસિંહને રાખવામાં આવ્યા છે. વર્ષ 2021માં દિપ ઇન્ફ્રા રોલવે પ્રા. લિ.ના ડિરેક્ટર કરણસિંહ ચૌહાણ (મુળ રહે. નવી મુંબઇ) (ઓફિસ. શેલ્ટન ક્યુબીક બેલાપુરા, નવી મુંબઇ) (હાલ રહે. ઓડ ચોકડી, એમ.કે. એવન્યુ, આણંદ)નો સંપર્ક થયો હતો. તેઓ એલ એન્ડ ટી કંપનીમાં વર્ક એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટર હોવાનું જણાવ્યું હતું અને ઓમકારપુરાથી આજોડ તરફ જતી બુલેટ ટ્રેનના નિર્માણ પ્રોજેક્ટમાં કપચી વગેરે જેવી ભારે સામગ્રીના પરિવહન માટે એલ એન્ડ ટી કંપની દ્વારા ચાલી રહી છે. તે સંદર્ભે કોઈ અધિકારી સાથે વાત કરાવી હતી. બાદમાં ડિસેમ્બર 2021માં અલગ અલગ 6 વાહનોમાં મળીને કુલ 16 હજાર લિટર ડીઝલ પુરાવ્યું હતું. જેની કિંમત રૂ. 14.19 લાખ થવા જાય છે.
આ નાણાં 1થી 15 તારીખમાં પૂરાવીને તેનું બિલ 20 તારીખની અંદર ચૂકવી દેવાનું અને 16થી 31 તારીખમાં બાકીનું બિલ ચૂકવી દેવાનું રહેશે તેવું તેઓના લેટર પેડમાં કરાર કરવામાં આવ્યો હતો. જો કે, તે પ્રમાણે થયું નહોતું. આ બનાવમાં કરાર મુજબ નાણાંની ચૂકવણી ન કરતા આખરે ડીઝલ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું.
દરમિયાન આ બાબતે પેટ્રોલ પંપના સંચાલક યોગેન્દ્રસિંહ વાઘેલાએ આ બાબતે કરણસિંહ ચૌહાણ સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે વિશ્વાસઘાત, છેતરપિંડીનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.