તરસાલી બાયપાસ પાસેથી કારમાંથી રોકડા 13.50 લાખ મળ્યા, ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ શરૂ

ચૂંટણી ખર્ચ પર નિયંત્રણના ભાગરૂપે શહેર-જિલ્લાના પ્રવેશમાર્ગો પર ચેક પોસ્ટ ઊભી કરાઇ

MailVadodara.com - 13-50-lakh-cash-found-in-car-from-Tarsali-Bypass-Income-Tax-department-starts-investigation

- કારમાં બેઠેલા હરીશ પરમાર નામના વ્યક્તિ પાસેથી આ રકમ મળી, આ રકમ કોણે મોકલાવી હતી અને કોને આપવાની હતી, એ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી


લોકસભાની ચૂંટણીને પગલે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર નાણાની હેરફેરને લઈને સતર્ક બન્યું છે, ત્યારે વડોદરા નજીક તરસાલી બાયપાસ પાસે કારમાંથી 13.50 લાખની માતબર રકમ મળી આવી છે. જેથી SST (સ્ટેટિક સર્વેલન્સ ટીમ)એ ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી હતી. આ મામલે ઇન્કમટેક્સ વિભાગે એક શખસની પૂછપરછની સાથે વધુ તપાસ શરૂ કરી છે.

આ બાબતે નોડલ ઓફિસર મમતા હીરપરાએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે તરસાલી ચેકપોસ્ટ પર SSTની ટીમ કાર્યરત હતી. એ સમયે એમને કારમાંથી રોકડ રકમ મળી આવી હતી. આ રોકડ રકમ 13.50 લાખ રૂપિયા હતી. દસ લાખ રૂપિયાથી વધુ રકમ હોવાથી ઇન્કમટેક્સ વિભાગને જાણ કરવામાં આવી હતી. હાલ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કારમાં બેઠેલા હરીશ પરમાર નામના વ્યક્તિ પાસેથી આ રકમ મળી આવી હતી. આ રકમ કોણે મોકલાવી હતી અને કોને આપવાની હતી, એ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. SST અને ઇન્કમટેક્સ વિભાગની ટીમે હરીશ પરમાર નામના વ્યક્તિની પૂછપરછ શરૂ કરી છે.

ચૂંટણીને પગલે વિવિધ ટીમો કાર્યરત મહત્વનું છે કે, ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણની કામગીરીના ભાગરૂપે વડોદરા શહેર જિલ્લાના મુખ્ય પ્રવેશમાર્ગો પર ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણીલક્ષી નિરીક્ષણ માટે કંટ્રોલરૂમ પણ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. આદર્શ આચારસંહિતાની ચૂસ્ત અમલવારી, ચૂંટણી ખર્ચ નિરિક્ષણ તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા FST, SST, VST અને IT જેવી વિવિધ ટીમોને કાર્યરત કરી દેવામાં આવી છે.


ચૂંટણી દરમિયાન સાચી વ્યક્તિઓ અને જનતાને અસુવિધા ટાળવા માટે તેમજ જો કોઈ ફરિયાદો હોય તો તેના નિવારણ માટે જિલ્લા કન્વીનર કચેરી ખાતે ટેલિફોન નં. 0265-2432027 ઉપર કચેરી સમય દરમિયાન, જ્યારે 0265-2993700, 2993701, 2993702 નંબર 24x7 ફરિયાદ કરી શકાશે.

ચૂંટણી જાહેર થતાં આદર્શ આચારસંહિતા અમલી બનાવવા આવી છે. ચૂંટણી દરમિયાન પોલીસ, SST અથવા FST દ્વારા કરવામાં આવેલા જપ્તીના દરેક કેસની જાતે તપાસ કરશે. જ્યાં સમિતિને જણાશે કે, જપ્તી સામે કોઈ FIR ફરિયાદ દાખલ કરવામાં આવી નથી અથવા જે વ્યક્તિ પાસેથી રોકડ, કિંમતી વસ્તુઓ જપ્તી કરવામાં આવી છે, તે વ્યક્તિ કોઈપણ ઉમેદવાર, રાજકીય પક્ષ અથવા કોઈપણ ચૂંટણી પ્રચાર વગેરે સાથે જોડાયેલ નથી, તે એવી વ્યક્તિઓને કે જેમની પાસેથી રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે, તે રોકડ વગેરે છોડવાનો આદેશ આપવા માટે તાત્કાલિક પગલાં લેવાશે. જો રોકડ મુક્તિ રૂ.10 લાખથી વધુ હશે તો, આવી રોકડ મુક્ત કરતા પહેલાં ઈન્કમટેક્ષના નોડલ અધિકારીને જાણ કરવામાં આવશે.

Share :

Leave a Comments