- વોર્ડ 3, 4, 12 અને 17માં રવિવારે આધારકાર્ડની સુવિધા શરૂ થતાં સ્ટાફની રજા ગુરુવારે કરાઇ
- મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ આધાર કાર્ડની કામગીરી ચાલુ રખાઇ છે
વડોદરાના લોકોને રવિવારના રજાના દિવસે પણ આધારકાર્ડમાં જરૂરી સુધારા-વધારા કરાવવા કે નવા કાઢવા માટે મુશ્કેલી પડે નહીં તેને ધ્યાનમાં રાખી માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશમાં પ્રથમવાર વડોદરા કોર્પોરેશન દ્વારા ચાર વોર્ડમાં સુવિધા શરૂ કરવામાં આવી છે. એક મહિનામાં માત્ર આ ચાર વોર્ડમાં રવિવારના દિવસે પણ 1,280 આધારકાર્ડ કાઢી આપવામાં આવ્યા છે. રવિવારે સવારે 9.30થી સાંજે 5 સુધી આ કામગીરી ચાલુ રહે છે. જે લોકો ધંધાદારીઓ છે અથવા તો નોકરીયાત છે, બહારગામ અપડાઉન કરે છે અને તેઓને રવિવારે જ રજા હોય છે, એ લોકો માટે આ સુવિધા ખૂબ જ સફળ પુરવાર થઈ છે. ઘણી વખત માત્ર આધાર કાર્ડ માટે જ નોકરીમાંથી ચાલુ દિવસોએ રજા લેવાનો વારો આવતો હોય છે.
વડોદરા કોર્પોરેશનના વહીવટી વોર્ડ નંબર 3, 4, 12 અને 17માં રવિવારે આધાર કાર્ડ કાઢી આપવાની સુવિધા શરૂ થતા સ્ટાફને ગુરુવારે રજા આપવામાં આવે છે, એટલું જ નહીં મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ આધાર કાર્ડની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને પણ વિનામૂલ્યે આધાર કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા વસ્તી ગણતરીની ઓફિસ દાંડિયાબજાર - ટાવર રોડ ખાતે રાખી છે. કોર્પોરેશનના આ ઉપરાંત માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત સાત લોકેશન પર હાલ આધાર કાર્ડની કામગીરી ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. આધારકાર્ડમાં સુધારા વધારા, નામ સરનામું, ઇમેલ, મોબાઈલ નંબરમાં ફેરફાર વગેરે માટે સરકારે નક્કી કરેલા ચાર્જ ચૂકવવાના હોય છે. જ્યારે નવા આધાર કાર્ડ વિનામૂલ્ય કાઢી આપવામાં આવે છે, ત્યારે કોઈ લેભાગુ એજન્ટોથી સાવધાન રહેવા અને આધારકાર્ડ માટે કોઈ કહેવાતો એજન્ટ રૂપિયા પડાવવાનો પ્રયાસ કરે તો આવા તત્વોથી પણ સતર્ક રહેવા સેન્સસ ઓફિસર અને હેડ ઓફ ધ આધાર કાર્ડ વિભાગ શમિક જોશીએ જણાવ્યું હતું.