ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કર્યા બાદ થયેલા પથ્થરમારાના કેસમાં નવાપુરા પોલીસે વધુ 12 આરોપીની ધરપકડ કરી છે. ગુરુવારે રાત્રે બંને કોમના ટોળા આમને સામને આવી ગયા હતા અને પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ અને ફુટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું. આ બનાવમાં 100થી 150 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઇ હતી.
બનાવની વિગત મુજબ, વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ક્રિષ્ણા ટાઉનશિપ ફ્લેટમાં રહેતા જતીન અર્જુનભાઈ પટેલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રાજમહેલ રોડ પર ઊંટખાનની ગલીના નાકે મોબાઇલ એસેસરીઝની દુકાન ચલાવું છું અને દુકાનની ઓફરો મારા ગ્રાહકોને જણાવવા માટે હું ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થઈને ઓફરોની જાહેરાત કરું છું. ગઇ તા. 21/02/2024ના રોજ સાંજના 7.23 વાગ્યાની આસપાસ હું ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થયો હતો. જેથી અમારા ગ્રાહકોને જય શ્રીરામ કહીને શુભેચ્છા પાઠવી હતી.
ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કરી હતી ત્યારબાદ હું ઓફરની જાહેરાત કરતો હતો, તે દરમિયાન sahid-patel-7070 નામના ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી કોમેન્ટ કરીને ધાર્મિક લાગણી દુભાય તેવી બીભત્સ કોમેન્ટ કરી હતી. જેથી આ કોમેન્ટ મેં જોઈ અને તેની તપાસ કરતા તેનું નામ સાહીદ પટેલ (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, મહાલક્ષ્મી સોસાયટીની સામે, પાદરા, જિ.વડોદરા) હોવાનું જાણવા મળ્યું હતું. મેં તેને ફોન કરતા તેણે ફોન ઉપાડયો નહોતો અને તેની ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. ઉપરથી કોમેન્ટવાળો ફોટો ડિલીટ કરી નાખ્યો હતો.
અમારા હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ તેના ઘરે જઈ તપાસ કરતા તે મળી આવ્યો નહોતો. ત્યારબાદ સાહીદ સાથે ફોન પર વાત કરતા તે મારી સાથે દાદાગીરી કરીને અપશબ્દો બોલવા લાગ્યો હતો. તેણે કહ્યું હતું કે, હું પાદરામાં બેઠો છું, તાકાત હોય તો આવીજા પાદરા. તેમ કહી મને ધાકધમકી આપી હતી. તેની પોસ્ટથી ધાર્મિક લાગણી દુભાઇ હોવાથી મેં તેની સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના બાદ હિન્દુ સંગઠનો દ્વારા ગુરુવારે મોડી રાત્રે નવાપુરા પોલીસ સ્ટેશનની બહાર જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આરોપી સાહીદ પટેલ જ્યાં સુધી હાજર નહીં થાય ત્યાં સુધી અહીંથી નહીં જઇએ તેવી જીદ પકડી હતી. આ સમયે પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં જામ્યાં હતાં. ત્યાર બાદ મોડી રાત્રે 12.50 વાગ્યાની આસપાસ ખાટકીવાડની ગલીમાંથી 100થી 150 લોકોનું ટોળું અચાનક પોલીસ સ્ટેશન પાસે આવી ચડ્યું હતું અને વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર પથ્થરમારો શરૂ કર્યો હતો.
નવાપુરા પોલીસની ટીમ તુરંત જ એક્શનમાં આવી હતી અને ટોળાને વિખેર્યું હતું. જો કે, આ ઘટનામાં વિરોધ કરી રહેલા કેટલાક યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે ટોળાને કાબૂમાં લઇને 100થી 150 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી હતી. સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યુ છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતું. આ કેસમાં અત્યાર સુધીમાં પોલીસે 29 જેટલા આરોપીની ધરપકડ કરી છે.
પકડાયેલ આરોપીઓના નામ
રમીશ હનીફભાઇ કુરેશી (ઉ.વ.29, રહે. ગુજરાત ચીકનની પાછળ, ખાટકીવાડ મહોલ્લા, નવાપુરા, વડોદરા)
ઇમ્તીઆજહુસેન અલ્તાફહુસેન શેખ (ઉ.વ.30, રહે. રફાયા મસ્જીદની પાછળ, ખાટકીવાડ મહોલ્લા, નવાપુરા, વડોદરા)
ચાંદ જાફરમીયા શેખ (ઉ.વ.23, રહે. ગુજરાત ચીકનની પાછળ, ખાટકીવાડ મહોલ્લા, નવાપુરા, વડોદરા)
શાહીદ ઇકબાલભાઇ સિંધી (ઉ.વ.34, રહે. વીમા હોસ્પીટલની સામે, ખાટકીવાડ મહોલ્લા, નવાપુરા, વડોદરા)
તોસીફ હુસેનભાઇ શેખ (ઉ.વ.30, રહે. અર્ચના એપાર્ટ મેન્ટ, ખાટકીવાડ મહોલ્લા, નવાપુરા, વડોદરા)
વશીમ ઇસ્માઇલભાઈ મલેક (ઉ.વ.22, રહે. રોયલ ચીકનની ગલી, ખાટકીવાડ મહોલ્લા, નવાપુરા, વડોદરા)
સાજીદ ઉર્ફે ગોટુ મહેબુબખાન પઠાણ (ઉ.વ.36, રહે. માળી મહોલ્લાના નાકા પર, ખાટકીવાડ મહોલ્લા, નવાપુરા, વડોદરા)
આશીફ કાલુમીયા ચૌહાણ (ઉ.વ.30, રહે. કબીર કોમ્પલેક્ષ, ખાટકીવાડ મહોલ્લા, નવાપુરા, વડોદરા)
ફેજલ જાફરમીયા બાબર્ચી (ઉ.વ.20, રહે. ફીજીઓ પાનની ગલીમાં, ખાટકીવાડ મહોલ્લા, નવાપુરા, વડોદરા)
કાદર અબ્દુલરહીમ શેખ (ઉ.વ.50, રહે. મલનશેખની ચાલી, ખાટકીવાડ મહોલ્લા, નવાપુરા, વડોદરા)
મોહમ્મદઅસરાર કાલુભાઇ શેખ (ઉ.વ.24, રહે. અર્ચના એપાર્ટમેન્ટની સામે, કહાર મહોલ્લા, નવાપુરા, વડોદરા)
તાલીફ હનીફભાઇ શેખ (ઉ.વ.27, રહે. અર્ચના એપાર્ટમેન્ટની સામે, કહાર મહોલ્લા, નવાપુરા, વડોદરા)