- વાલ્મીકીવાસમાં સ્ટ્રીટ લાઇટો પણ ન હોવાના કારણે અંધારામાં ધસી આવેલો મગર એક મકાનના દરવાજા પાસે આવીને બેસી ગયો હતો
- જીવદયા સંસ્થાઓ અને વન વિભાગને મગરોનું રેસ્ક્યુ કરવા અનેક વખત રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરાતી નથી : સ્થાનિક રહીશ
શહેરની ચારેકોર ફરી રહેલા મગરો નદી તેમજ કોતર-ખાડીના કિનારા વિસ્તારમાં રહેતા લોકો માટે જોખમરૂપ પુરવાર થયા છે. વડોદરાના વારસીયા વિસ્તારમાં આવેલી વાલ્મીકી વાસમાં ગત મોડી રાત્રે 12 ફૂટ લાંબો મગર એક મકાનના આંગણા સુધી ધસી આવ્યો હતો. ઘરના સુધી ધસી આવેલા મગર પર મકાન માલિકની નજર પડતા પરિવારજનોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.
મળેલી માહિતી પ્રમાણે વારસીયા વિસ્તારના વાલ્મીકી વાસ પાસેથી ખાડી પસાર થાય છે. આ ખાડીમાંથી અવાર-નવાર મગરો વાલ્મીકીવાસમાં ધસી આવતા હોય છે. વધુ એક વખત મોડી રાત્રે 12 ફૂટનો મગર વાલ્મીકીવાસમાં ધસી આવ્યો હતો. વાલ્મીકીવાસમાં સ્ટ્રીટ લાઇટો પણ ન હોવાના કારણે અંધારામાં ધસી આવેલો મગર એક મકાનના દરવાજા પાસે આવીને બેસી ગયો હતો.
ઘરના આંગણામાં આવીને બેસી ગયેલા મગરને જોઇ પરિવાર ચોંકી ઉઠ્યું હતું. અને બુમરાણ મચાવતા વાલ્મીકીવાસના લોકો ભેગા થઇ ગયા હતા. ટોળે વળેલા લોકોએ મોબાઇલની લાઇટો મારતા અને લોકોના કોલાહલથી મગર પુનઃ ખાડી તરફ જતો રહ્યો હતો. જોકે, ઘરના આંગણા સુધી ધસી આવેલા મગરે લોકોમાં ગભરાટ ફેલાવી દીધો હતો.
વાલ્મીકીવાસમાં રહેતા કમલેશભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, વાલ્મીકીવાસની બાજુમાંથી પસાર થતી ખાડીમાં એક કરતા વધુ મગરો વસવાટ કરે છે. અનેક વખત જીવદયા સંસ્થાઓ અને વન વિભાગને મગરોનું રેસ્ક્યુ કરી દૂર છોડી દેવા માટે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. મોડી રાત્રે 12 ફૂટ લાંબો મગર ધસી આવતા પુન લોકો ભયના ઓથાર નીચે આવી ગયા છે. જોકે, મોડી રાત્રે ધસી આવેલા મગરે કોઇને નુકશાન પહોંચાડ્યું નથી. પરંતુ, આવનારા દિવસોમાં ગમે ત્યારે મગર કોઇને જાનહાની પહોંચાડે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, અગાઉ પણ અનેક વખત ખાડીમાંથી મગરો વાલ્મીકીવાસમાં ધસી આવ્યા છે. કેટલાંક મગરોનું રેસ્ક્યુ કરીને જીવદયા પ્રેમીઓ પકડી ગયા છે. તો કેટલાંક મગરો લટાર મારીને જતા રહેતા હોય છે. વાલ્મીકીવાસમાં લાઇટો ન હોવાના કારણે લોકોને સતત ભયના ઓથાર નીચે રહેવું પડે છે. વાલ્મીકીવાસના લોકોની ઇચ્છા છે કે, ખાડીમાંથી ધસી આવતા મગરોથી છૂટકારો મળે.