- ગત ચૂંટણીમાં જ્યાં મતદાન ઓછું થયું છે, ત્યા ખાસ જાગૃતિ ફેલાવશે
લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી અને વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આગામી 7મી મે, 2024ને મંગળવારના રોજ યોજાનાર છે. વડોદરા સંસદીય મત વિભાગમાં દરેક મતદાર પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી બી.એ. શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.
લોકસભાની ચૂંટણીમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વડોદરા મેરેથોન સહયોગથી મતદાન જાગૃતિ માટે 12 ફૂટની બે વિશાળ મેસ્કોટ (કઠપૂતળી) બનાવી મતદાન જાગૃતિના ગીતો સાથે આ બંને પપેટ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન જાગૃતિનો સંદેશો આપશે અને શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ બંને મેસ્કોટ (કઠપૂતળી)નું આજે કલેક્ટર કચેરી ખાતેથી ટીપના નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ નિવાસી અધિક કલેક્ટર ડો.બી.એસ.પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક, સ્વિપના કો ઓર્ડીનેટર ડો.સુધીર જોષીની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉપરાંત એક પૈડાંવાળી સાયકલ ચલાવતા સાયકલિસ્ટ વિનિત જોશી પણ આ અભિયાનમાં સહભાગી થઈ સાયકલ મારફતે મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવશે.
જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ જણાવ્યું કે, વડોદરા શહેરમાં ગત લોકસભા ચૂંટણીમાં જે મતદાન મથકો પર પુરુષ મતદાનની સાપેક્ષે મહિલા મતદાનનું પ્રમાણ દસ ટકાથી ઓછું નોંધાયું છે એવા વિસ્તારોમાં આ મેસ્કોટના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવશે. લોકસભા ચૂંટણીમાં વધુમાં નાગરિકો મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવે તે માટે વડોદરાના આંગણે લોકશાહીના અવસરને ઉજવવા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે.