- ઝૂ ના એવીઅરીમાં મૂકેલા ક્યુ આર કોડને સ્કેન કરી એપ્લિકેશન ડાઉનલોડ કરતા જે તે પક્ષીની થ્રીડી ઈમેજ સાથે સેલ્ફી પણ લઈ શકાશે
મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગ ખાતે બનાવવામાં આવેલી નવી એવીયરી એટલે કે પક્ષી ઘરમાં મોર કુળના દેખાવે સુંદર અને આકર્ષક લાગે તેવા પક્ષીઓ માટે ઉભા કરેલા ફેઝન્ટ વિભાગને 11 સેવાભાવી સંસ્થાઓ દ્વારા દત્તક લેવામાં આવેલ છે અને આ વિભાગને રોટરી ઝોન નામ અપાયું છે. ફેઝન્ટ વિભાગના 11 પિંજરા છે જેમાં જુદા-જુદા પ્રકારના દેખાવએ આકર્ષક પક્ષીઓ છે. જેમાંથી એક વર્ષ માટે 15 પક્ષીઓ દત્તક લેવાયા છે.
આજે સવારે આ સંદર્ભે ઝૂમાં એક કાર્યક્રમ પણ યોજાયો હતો, આ કાર્યક્રમ બાદ થ્રીડી એ.આર વર્ચ્યુઅલ પ્રોજેક્ટનું ઉદઘાટન પણ કરાયું હતું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગ ખાતેના ઝુને મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ ઝૂ ની સ્થાપના 1869 માં થઈ હતી. આ ઝૂ 45 એકર વિસ્તારમાં છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના વર્ગીકરણ મુજબ આ ઝૂ મીડિયમ ઝુની કેટેગરીમાં છે. અહીં 91 પ્રજાતિના પ્રાણીઓ પક્ષીઓ અને સરીસૃપ છે. જેની અંદાજિત સંખ્યા 1,323 છે. આ ઝૂ માં રીડેવલપમેન્ટના બીજા તબક્કા હેઠળ 14.21 કરોડના ખર્ચે ભારતીય અને વિદેશી પ્રજાતિના પક્ષીઓ માટે વોક ઇન એવીઅરી એટલે કે પક્ષીઘર પણ બનાવવામાં આવ્યું છે. જેનું ગયા વર્ષે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પક્ષીઘર માટે 34 પ્રજાતિના વિદેશી પક્ષીઓ ખરીદવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝૂમાં પક્ષીઓ અને જંગલી પ્રાણીઓને દતક લેવા માટેની એક યોજના પણ છે અને લોકો આ રીતે પશુ પક્ષીઓને દતક લઈને પશુ-પંખીઓ પ્રત્યે જાગૃતિ દર્શાવીએ મદદ પણ કરી રહ્યા છે. દત્તક લેવા બદલ કોર્પોરેશનને જે નાણાં મળે છે તે કોર્પોરેશનના ફંડમાં જમા થાય છે. કોર્પોરેશન દાતાની કદર કરવા માટે સર્ટિફિકેટ પણ એનાયત કરે છે. અત્યાર સુધીમાં કેટલાક પક્ષીઓ અને પ્રાણીઓ દત્તક લેવામાં આવી ચૂક્યા છે. જે સંસ્થા કે વ્યક્તિ પશુ પંખી દતક લે તેના ખર્ચે એક વર્ષ સુધી પશુ પંખીનો ખાધા ખોરાકીનો ખર્ચ ઉઠાવવામાં આવે છે.
આજે ગુજરાતમાં પહેલીવાર કોઈ ઝૂ માં આટલી સંખ્યામાં પક્ષીઓ દત્તક લેવાયા છે. જે પક્ષીઓ દત્તક લેવાયા છે, તેમાં ગોલ્ડન ફેઝન્ટ, રેડ જંગલ ફાઉલ, સિલ્વર ફેઝન્ટ, રીંગ નેક્ડ તેતર, વ્હાઇટ પીફૉલ, ગ્રે જંગલ ફાઉલ, બ્લુ કરોન પીએગો, પીકોક, રેબિટ, કોકટુ, લવ બર્ડ્સ, લેડી એમહર્સ્ટ ફેઝન્ટ અને કાલિજ તેતરનો પક્ષીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આજે એવીઅરીમાં થ્રીડી એ.આર પ્રોજેક્ટનું ઉદઘાટન કરાયું હતું. જેમાં એવીઅરીમાં ઠેક-ઠેકાણે મૂકવામાં આવેલા ક્યુ આર કોડને મોબાઇલમાં સ્કેન કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરતા જે તે પક્ષીની થ્રીડી ઈમેજ સાથે પક્ષીને લગતું તેનું લખાણ વિડિયો વગેરે જોઈ શકાય છે અને સેલ્ફી પણ લઈ શકાય છે.