વડોદરા કોર્પોરેશનની શિક્ષણ સમિતિ દ્વારા વધુ 11 સ્માર્ટ બાલવાડીની કામગીરીનું ખાતમુર્ત કરાયું

વીર સાવરકરજીની 140મી જન્મજયંતી નિમિત્તે 60 લાખના કામોનું ખાતમુહૂર્ત કરાયું

MailVadodara.com - 11-more-Smart-Kindergartens-were-completed-by-the-Education-Committee-of-Vadodara-Corporation

- શિક્ષણ સમિતિના મુખ્ય કાર્યાલયમાં સેન્ટ્રલ લાઇબ્રેરી અને કચેરીના આંગણામાં સરસ્વતી માતાનું મંદિર પણ બનાવવામાં આવશે

વીર સાવરકરજીની 140મી જન્મજયંતી નિમિત્તે ગઇકાલે શિક્ષણ સમિતિ ખાતે 60 લાખના કામોનું ખાતમુહૂર્ત થયું હતું. જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વધુ 11 સ્માર્ટ બાલવાડી બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાલ શિક્ષણ સમિતિમાં 29 સ્માર્ટ બાલવાડી કાર્યરત છે, જેમાં વધુ 11નો ઉમેરો થતાં 40 સ્માર્ટ બાલવાડી થશે. જે 11 બાલવાડી કરવાની છે તેનું કામ એકાદ મહિનામાં પૂર્ણ થઈ જશે તેમ જણાય છે. આ ઉપરાંત શિક્ષણ સમિતિના મુખ્ય કાર્યાલયમાં સેન્ટ્રલ લાઇબ્રેરી અને સરસ્વતી માતાનું મંદિર પણ બનાવાશે. 


વડોદરા કોર્પોરેશન હસ્તકની શિક્ષણ સમિતિ ખાતે ગઇકાલે વિનાયક દામોદર સાવરકરજીની 140મી જન્મજયંતી નિમિત્તે વિવિધ 60 લાખથી વધુ કિંમતનાં કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. સમિતિની વડોદરાની મુખ્ય કચેરીમાં સેન્ટ્રલ લાઇબ્રેરી બનાવવાના કાર્યક્રમનું અને કચેરીનાં આંગણમા સરસ્વતી માતાનું મંદિર બનાવવાનું ખાતમુહૂર્ત કરાયું હતું. સરસ્વતીના મંદિરમાં માં સરસ્વતીની મૂર્તિ બી.એ.પી.એસ સંસ્થા દ્વારા પૂજય કોઠારી સ્વામીના પ્રયત્નથી સ્થપાશે. આ ખાતમૂહર્ત પ્રસંગે શહેરના મેયર નિલેશ રાઠોડ, ભાજપ શહેર અધ્યક્ષ ડો. વિજય શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ મીનેશ પંડ્યા, ઉપાધ્યક્ષ ડો.હેમાંગ જોશી, શાસનાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, સમિતિના સભ્યો અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.


આ 11 સ્માર્ટ બાલવાડી સયાજીરાવ ગાયકવાડ હિન્દી શાળા, શ્યામજી કૃષ્ણવર્મા શાળા, ડો. હોમી ભાભા પ્રાથમિક શાળા, ડો.હંસાબેન મહેતા પ્રાથમિક શાળા, આર્યભટ્ટ પ્રાથમિક શાળા, વીર ભગતસિંહ શાળા, ચાણક્ય અંગ્રેજી શાળા, પંડિત દિનદયાળ ઉપાધ્યાય શાળા, કુબેરેશ્વર પ્રાથમિક શાળા, ઈન્દુલાલ યાજ્ઞિક શાળા અને છત્રપતિ શિવાજી પ્રાથમિક શાળા ખાતે બનવાની છે.


શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષના કહેવા મુજબ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે પરિકલ્પના કરવામાં આવી છે, તે સ્માર્ટ બાલવાડીમાં પૂર્ણ થાય છે. અહીં ભૂલકાંઓ ડિજિટલ ઓડિયો-વીડિયો માધ્યમથી નવી રમતો તેમજ લર્ન વિથ ફનના અભિગમ સાથે શીખે છે. એક બાલવાડીના આચાર્યના કહેવા મુજબ સ્માર્ટ બાલવાડીમાં બાળકોની હાજરીનું પ્રમાણ વધ્યું છે. વાલીઓ તરફથી પણ હકારાત્મક વલણ જોવા મળ્યું છે. શિક્ષકો બાલવાડીના ઓરડાની દિવાલ ઉપર લગાડવામાં આવેલી ટાઇલ્સ પરના ચિત્રો, આકાર, કલર વગેરેના આધારે બાળકોને જ્ઞાન આપી શકે છે. બાળકોની પણ શીખવા પ્રત્યેની રુચિ જાગી છે, અને તેઓને મજા પણ આવે છે. 

Share :

Leave a Comments