- બનાવમાં મૃતક બંને વ્યક્તિઓ ક્યાંના રહેવાસી છે અને તેઓના નામ અંગેની કોઈ માહિતી મંજુસર પોલીસને ન મળતા વધુ તપાસ શરૂ કરી
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી મંજુસર જીઆઇડીસીમાં ઔદ્યોગિક કચરો ઠાલવવા માટે ડમ્પર આવ્યું હતું. આ ડમ્પર કચરો ખાલી કરવા માટે ટ્રોલી ઊંચી કરતા ડમ્પરની ઉપરથી પસાર થતી 11 KV વીજ લાઈન પર ડમ્પરને અડી જતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં બે વ્યક્તિઓ ભડથું થઈ ગયા હતા. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો પહોંચી ગયા હતા અને ડમ્પરમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.
મળેલી માહિતી પ્રમાણે સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસીમાં ઔદ્યોગિક કચરો ઠાલવી રહેલા ડમ્પરમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. ડમ્પરની ઉપરથી પસાર થતી 11 કેવી લાઈનમાં ડમ્પરની ટ્રોલી અડી જતાં આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પરિણામે ડમ્પર ઉપર કચરો ઠાલવી રહેલા બે શ્રમજીવીઓ ભડથું થઈ ગયા હતા.
આ બનાવવાની જાણ જીઆઇડીસી ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો પહોંચી ગયા હતા અને પાણી મારો ચલાવીને ડમ્પરમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. જો કે, આગ સંપૂર્ણ કાબુમાં આવે તે પૂર્વે ડમ્પર હાડપિંજરમાં ફેરવાઈ ગયું હતું. તે સાથે બંને શ્રમજીવીઓ પણ ભડથું થઈ ગયા હતા. આ બનાવને પગલે જીઆઇડીસીમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
સાવલી મામલતદાર ઘટના સ્થળે દોડી ગયા મળેલી માહિતી પ્રમાણે આ બનાવવાની જાણ સાવલી મામલતદારને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. તે સાથે મંજુસર પોલીસનો કાફલો પણ સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને આ બનાવવા અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. જોકે હજુ સુધી બે વ્યક્તિઓ ક્યાંના રહેવાસી છે અને તેઓના નામ અંગેની કોઈ માહિતી પોલીસને મળી નથી. પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.