- સ્કૂલમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા કાર માલિકે કાર ચોરીની ફરિયાદ નોંધાવી
- રાત્રે પરિવાર ઉંઘતો હતો ત્યારે ઘરમાં ઘૂસીને તલવાર તથા ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી 4 લૂંટારુઓ લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી નવજીવન સોસાયટીમાં મોડી રાત્રીના સમયે પરિવાર ઉંઘી રહ્યો હતો, તે દરમિયાન લુંટારુ ટોળકી હથિયારો સાથે ઘુસી ગઇ હતી. પરિવારને તલવાર અને ચાકુ સહિતના વિવિધ હથિયારો બતાવી મારી નાખવાની ધમકી આપ્યા બાદ માતા-પિતા તથા પુત્રે પહેરેલા સોનાના દાગીના તથા તિજોરી અને કબાટમાં મુકેલા દાગીના મળી રૂ. 11.75 લાખ મત્તાની લૂંટ કરીને લુટારુઓ ફરાર થઇ ગયા હતા. જો કે લૂંટારું ટોળકીએ લૂંટ કરતા અગાઉ સોસાયટીમાં કારમાં આંટા ફેરા માર્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. મળતી માહિતી મુજબ ટોળકીએ ચોરી કરવા માટે ચોરીની કાર ગુનામાં વાપરી હતી. જે અંગે કાર માલિકે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આવી છે.
શહેરના આજવા રોડ પર નવજીવન સોસાયટીમાં રહેતા અશોકકુમાર જયપ્રકાશ સિંગલ (ઉ.વ. 63) 19 ઓક્ટોબરના રોજ તેઓ પત્ની તથા દીકરા સાથે રાત્રીના સમયે જમી ઘરમાં ઊંઘી ગયા હતા. તે દરમિયાન મોડી રાત્રીના આશરે ત્રણેક વાગ્યે તેમના રૂમના દરવાજો ખુલવાનો અવાજ આવતા તેઓ જાગી ગયા હતા. આ દરમિયાન કોઈ દરવાજાને ધક્કો મારતુ હોય તેઓએ ચોર-ચોરની બૂમો પાડી રૂમના દરવાજાને અંદરથી દબાવી રાખ્યો હતો પરંતુ, બહારથી ચોરે ધક્કો મારતા દરવાજાનો અંદરનો લોક તૂટી જતા ચાર લુંટારુ રૂમમાં આવી ગયા હતા અને ચારેય શખસોના હાથમાં તલવાર તથા લોક તોડવાનુ લોખંડનું હથિયાર અન્ય બેના હાથમા ચપ્પુ જેવું હથિયાર હતું. ચારેય લૂંટારુઓએ પરિવારના સભ્યોને હથિયાર બતાવી સોના-ચાંદી દાગીના અને રોકડ રકમ મળી રૂ.11.75 લાખની લૂંટ કરીને લૂંટારુ ફરાર થઇ ગયા હતા.
મળતી માહિતી મુજબ, મોડી રાત્રે ત્રણ વાગે ત્રાટકેલા લૂંટારાઓએ લૂંટ કરતા અગાઉ એક કલાક વિસ્તારમાં ઇકો કારમાં આટા ફેરા માર્યા હતા. જે કાર સીસીટીવી કેમેરામાં દેખાઈ હતી. પોલીસે કારના નંબરના આધારે તપાસ કરતા આ ઇકો કાર કારેલીબાગ વિસ્તારમાં આવેલી લાલબહાદુર વિદ્યાલયમાં પટાવાળાની નોકરી કરતાં મહેશભાઇ ભીલની હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે પટાવાળા મહેશભાઈ નાનજીભાઈ ભીલના ઘરે પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ રાત્રે ઘરની બહાર તેઓ કાર પાર્ક કરીને સુઈ ગયા હતા. સવારે 7:00 વાગ્યે ઊઠ્યા ત્યારે તેમની કાર ગુમ હતી. જે અંગે તેમણે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોમાં વડોદરા શહેરમાં હથિયારધારી ટોળકી ચોરી તથા લુંટ કરવાના ઇરાદે અલગ-અલગ વિસ્તારમાં આતંક મચાવ્યો છે. જેને લઇને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.