- વડોદરા ગ્રામ્ય પોલીસે 11.30 કરોડની 6,67,640 નંગ દારૂ બોટલ, મોબાઇલ ફોન, રોકડ રકમ તથા અન્ય સાધનો મળી કુલ 21.04 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
વિદાઇ લઇ રહેલા વર્ષ 2024માં વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા રૂપિયા 11,30,75,309નો દારૂના જથ્થા સાથે કુલ રૂપિયા 21,04,13,218નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 8 કરોડનો દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાના પાડોશી રાજ્યોમાંથી વિવિધ કિમિયા અપનાવીને દારૂ લાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. પરંતુ જિલ્લા પોલીસે બૂટલેગરોના તમામ કિમિયા નિષ્ફળ બનાવી દીધા હતા.
વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદની સૂચના અનુસાર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા વિદાય લેતા વર્ષ 2024માં દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જિલ્લા પોલીસે વડોદરા જિલ્લાના પાડોશી રાજ્યો રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ઉપરાંત પંજાબ-હરીયાણાથી વડોદરા જિલ્લામાંથી ગુજરાતમાં લાવવામાં આવતા દારૂના જથ્થાને ઝડપી બુટલેગરોની કમર તોડી નાખી છે.
જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિને નેસ્ત નાબુદ કરવાના ભાગરૂપે 8000થી વધુ પ્રોહિબિશનના કેસો કરવામાં આવ્યા છે. જે પૈકી વિદેશી દારૂના 455 કેસ કરાયા છે. આ સાથે 155 જેટલા પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસો કરાયા છે.
વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા રૂપિયા 11,30,75,309ની કિંમતની 6,67,640 નંગ બોટલ જપ્ત કરી, દેશી-વિદેશી દારૂ, મોબાઇલ ફોન, રોકડ રકમ તથા અન્ય સાધનો મળી કુલ રૂપિયા 21,04,13,218ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લા એલ.સી.બીએ જ આશરે રૂપિયા 8 કરોડની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.