વડોદરાની સ્કૂલોના ધો.10ના વિદ્યાર્થીઓનું શહેર પોલીસ અને શી ટીમે ગુલાબનું ફૂલ, ચોકલેટ આપીને સ્વાગત કર્યું

ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષાઓનો આજથી ઉત્સાહમય વાતાવરણમાં પ્રારંભ

MailVadodara.com - 10th-students-of-Vadodara-schools-were-welcomed-by-city-police-and-She-team-by-giving-them-rose-flowers-chocolates

- વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો, કહ્યું: `અમે પરીક્ષા આપવા સજ્જ છીએ'


ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓનો આજથી ઉત્સાહમય વાતાવરણમાં પ્રારંભ થયો છે. પરીક્ષા આપવા સ્કૂલો પર પહોંચેલા વિદ્યાર્થીઓનું સ્કૂલના શિક્ષકો તેમજ વડોદરાના મેયર સહિત રાજકીય આગેવાનો શુભેચ્છા આપવા પહોંચ્યા હતા. વડોદરા શહેર પોલીસ તંત્ર અને શહેર પોલીસ તંત્રની શી ટીમ દ્વારા પણ ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપી શુભેચ્છા આપવામાં આવી હતી.


બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષામાં આજે ધોરણ-10નું ગુજરાતીનું પેપર હતું. ગુજરાતીનું પેપર આપવા માટે આવેલા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ પૂરી તૈયારીઓ સાથે પરીક્ષા આપવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. વિદ્યાર્થીઓએ એમ પણ જણાવ્યું હતું કે, થોડો ડર છે પરંતુ, ડરને બાજુ ઉપર મૂકી પરીક્ષા આપવા માટે અમે સજ્જ છે.

વિદ્યાર્થી માનવ ચૌહાણે જણાવ્યું હતું કે, આજે અમારું ગુજરાતીનું પેપર છે. આખું વર્ષ અમે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયારી કરી છે. અમે પરીક્ષા આપવા માટે અતિઉત્સાહી છીએ. બોર્ડની પરીક્ષાનો પ્રથમ અનુભવ છે. સ્કૂલોમાં તો પરીક્ષા આપતા જ આવીએ છે. પરંતુ, બોર્ડની પરીક્ષાનો એટલો મોટો હાઉ ઉભો કરી દેવામાં આવે છે કે, વિદ્યાર્થીને ડર લાગતો ન હોય તો પણ ડરી જાય છે. જોકે, ધોરણ-10 બાદ વિદ્યાર્થીઓ પોતાના આગળના શિક્ષણની દીશા પણ નક્કી કરતો હોય છે.


સ્વામી વિદ્યાનંદજી વિદ્યા વિહારના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ દશરથભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમારી સ્કૂલ દ્વારા બોર્ડની પરીક્ષાને લઇ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજે પરીક્ષા આપવા માટે આવી પહોંચેલા વિદ્યાર્થીઓને વર્ગ ખંડ સુધી પહોંચવા માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તે પૂર્વે સ્કૂલ બહાર વિદ્યાર્થીઓનું ચોકલેટ આપી મોં મીઠું કરાવી નિર્ભય રીતે પરીક્ષા આપવા માટે શુભેચ્છા આપવામાં આવી હતી. વાલીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. અમારી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી હતી.


નંદેસરી પોલીસ અને શહેર પોલીસ તંત્રની શી ટીમ દ્વારા પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટાફે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, કોઈ જાતના ડર વિના પરીક્ષા આપજો. સ્કૂલમાં જે રીતે પરીક્ષા આપો છો તેજ રીતે આ પરીક્ષા હોય છે. ડરવાની જરૂર નથી.

આ ઉપરાંત વડોદરાની ઓ.એન.જી.સી. બરોડા હાઇસ્કૂલમાં પરિક્ષા આપવા માટે પહોંચેલા વિદ્યાર્થીઓને મેયર નિલેશ રાઠોડ શુભેચ્છા આપવા માટે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવી હતી. પરીક્ષાના સમય કરતા એક કલાક પહેલાં વિદ્યાર્થીઓ પોતાના વાલી સાથે સ્કૂલ ઉપર આવી પહોંચ્યા હતા. સ્કૂલ સંચાલકો દ્વારા વાલીઓ માટે સ્કૂલની બહાર તાપથી બચવા માટે તંબુ અને પાણીની સુવિધા ઉભી કરવામાં આવી હતી.

વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી આર.આર. વ્યાસે જણાવ્યું હતું કે, ધોરણ 10ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલશે. અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી ચાલશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14 થી 25 માર્ચ સુધી ચાલશે. વડોદરા શહેર અને જિલ્લામાં 77 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર પશ્ચાતાપ પેટીઓ મૂકવામાં આવી છે. તેમામ કેન્દ્રોને સીસીટીવીની નજરમાં રાખવામાં આવ્યા છે. 


સામાન્ય વિદ્યાર્થીઓની સાથે વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ કેદીઓ દ્વારા પણ પરીક્ષા આપવામાં આવી હતી. કેદીઓને પણ જેલના સ્ટાફ દ્વારા શુભેચ્છા આપવામાં આવી હતી. વર્ષ- 2017થી વડોદરા સેન્ટ્રલ જેલમાં દર વર્ષે કાચા અને પાકા કામના કેદીઓ કે જેઓ પોતાનો અભ્યાસ છોડીને આવ્યા છે અને પૂરો કરી શકે તે હેતુથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા યોજાય છે. જેમાં આ વર્ષે 19 જેટલા કેદીઓ પરીક્ષા આપશે. જેમાં ધોરણ 10માં 13 કેદીઓ અને ધોરણ 12માં 6 જેટલા કેદીઓ છે. જેલમાં જ પરીક્ષા કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે.


આજથી શરૂ થયેલી ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓને લઇ શહેર-જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને શહેર પોલીસ તંત્રની શી ટીમ દરેક સ્કૂલ ઉપર તૈનાત કરી દેવામાં આવી હતી. શી ટીમ દ્વારા પરિક્ષા પૂરી થયા બાદ વિશેષ નજર રાખવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચવામાં તકલીફ ન પડે તે માટે સજ્જ થઇ હતી.

Share :

Leave a Comments