- સંચાલકોએ સ્કૂલ ચલાવવા ઈચ્છુક નહીં હોવાની ડીઈઓ કચેરીમાં રજૂઆત કરી હતી, જોકે તેમાં અભ્યાસ કરતા 100 વિદ્યાર્થીના ભવિષ્યનો સવાલ હતો
શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી સહકાર વિદ્યાલયના ધો. ૯ અને ૧૦માં અભ્યાસ કરતા ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને શિક્ષણ સમિતિ દ્વારા પોતાની સ્કૂલમાં સમાવી દેવામાં આવશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિના બોર્ડની આજે બેઠક મળી હતી અને તેમાં ઉપરોક્ત મુદ્દા પર ચર્ચા થઈ હતી. સહકાર વિદ્યાલય ગ્રાન્ટેડ સ્કૂલ છે અને અત્યારે અહીંયા ધો. ૯ અને ૧૦ના વર્ગ ચાલે છે. શાળાના સંચાલકોએ ડીઈઓ કચેરીમાં અગાઉ પણ અંગત કારણસર સ્કૂલ ચલાવવા માટે ઈચ્છુક નહીં હોવાની રજૂઆત કરી હતી. જોકે તેમાં અભ્યાસ કરતા ૧૦૦ વિદ્યાર્થીઓના ભવિષ્યનો પણ સવાલ હતો.
જેના પગલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સત્તાધીશોએ આ વિદ્યાર્થીઓને સમાવી લેવા માટે તૈયારી બતાવી હતી. સ્કૂલના બે શિક્ષકોને ગ્રાન્ટેડ સ્કૂલ હોવાના કારણે સરકાર પગાર આપતી હોવાથી તેમને પગાર આપવાની પણ સમસ્યા આવે તેમ નહોતી. આથી આ સ્કૂલ અને તેના બે શિક્ષકોને ગોત્રી વિસ્તારની જ શિક્ષણ સમિતિની સ્કૂલમાં સમાવી દેવાનો પ્રસ્તાવ મૂકાયો હતો. જેને બોર્ડમાં લીલી ઝંડી અપાઈ હતી. હવે કોર્પોરેશન અને ડીઈઓ પાસેથી આખરી મંજૂરી લેવાની ઔપચારિકતા બાકી રહેશે. સાથે સાથે પૂરથી પ્રભાવિત બાળકોને પણ આગામી પંદર દિવસમાં નવી નોટબૂકો અને સ્ટેશનરી આપવાનું નક્કી થયું હતુ.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વિશ્વામિત્રીમાં આવેલા પૂરમાં શિક્ષણ સમિતિની સયાજીગંજ, અકોટા, વડસર વિસ્તારની ચાર સ્કૂલો વધારે પ્રભાવિત થઈ હતી. સમિતિ દ્વારા કરાયેલા સર્વે પ્રમાણે લગભગ સમિતિની સ્કૂલોના લગભગ ૫૦૦૦ બાળકોને સહાય આપવાની જરૂરિયાત ઉભી થઈ છે.