- વારસિયા પોલીસ મથકના બે જવાનોની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી
વડોદરા શહરમાં અવાર નવાર બનતી વિવિઘ ઘટનાઓને લઈ શહેર પોલીસ કમિશનર દ્વારા જવાનોની બદલી કરવામાં આવતી હોય છે. ત્યારે ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ એકસાથે અનેકની બદલી બાદ ગતરોજ વારસિયા પોલીસ મથકના બે જવાનોની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. ત્યારે આજરોજ શહેર ક્રાઈમ બ્રાન્ચના 10 જવાનોની શહેરના વિવિધ પોલીસ મથકમાં તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.
વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંમ્હા કોમાર દ્વારા શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓને જાહેર હિતમાં તાત્કાલિક અસરથી પરત કરવા હુકમ કરવામાં આવ્યો છે. આ સાથે જ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે ફરજ બજાવતા બે ASI, 3 અનાર્મ હેડ કોસ્ટેબલ અને બે અનાર્મ પોલીસ કોન્સ્ટેબલની વહીવટી કારણોસર તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. એટલે કહી શકાય કે શહેર પોલીસ બેડામાં ફરી એકવાર બદલીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો અગાઉ 17 કોન્સ્ટેબલની સામૂહિક બદલી બાદ વારસિયા પોલીસ સ્ટેશનના વહીવટદાર સહિત બેની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. તાજેતરમાં જ નાગરવાડામાં થયેલી જૂથ અથડામણ અને ત્યાર પછીના તેના પ્રત્યાઘાત રુપે સયાજી હોસ્પિટલ સંકુલમાં પૂર્વ કાઉન્સિલના પુત્રની થયેલી હત્યાના બનાવની ગંભીર નોંધ લેવામાં આવી છે. જેમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના બે PI તેમજ 17 કોન્સ્ટેબલની સામુહિક બદલી બાદ અનેક PIની આંતરિક બદલી કરવામાં આવી હતી. ગતરોજ વારસિયા પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલ પ્રવીણભાઈ મેલાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ નાથાભાઈની પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ગતરોજ બદલી કરવામાં આવી છે. જ્યારે આજે DCB ક્રાઈમ બ્રાન્ચના 10 જેટલા જવાનોને બદલીનો હુકમ કરવામાં આવ્યો છે.