- મધમાખીઓના હુમલાનો ભોગ બનેલા યુવકે પીડાથી બચવા શરીર પર ગટરનું દૂષિત પાણી નાખવું પડયું, તમામ લોકોને સારવાર માટે ખસેડાયા, લોકોમાં નાસભાગ મચી
વડોદરાના વાઘોડિયા માડોધર પાસે હાઇસ્કૂલની સામેના રોડ ઉપરના ઝાડ ઉપર કપિરાજના કૂદકાથી ઝાડ ઉપરના મધમાખીઓના ઝૂંડે આતંક મચાવ્યો હતો. સ્કૂલ છૂટી તેજ સમયે બનેલી ઘટનાને પગલે વિદ્યાર્થીઓ, બાળકોને લેવા માટે આવેલા વાલીઓ તેમજ પસાર થતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. એક કલાક સુધી મધમાખીઓએ મચાવેલા આતંકે 5 જેટલા વિદ્યાર્થીઓ, 2 વાલીઓ સહિત 10 જેટલા લોકોને ડંખ માર્યા હતાં. તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવાનો વખત આવ્યો હતો. હુમલાનો ભોગ બનેલા એક વ્યક્તિને ગટરના પાણીથી શરીર ધોવાની ફરજ પડી હતી. મધમાખીઓએ મચાવેલા આતંકથી આ રોડ ઉપર કરફ્યુ જેવો માહોલ પથરાઇ ગયો હતો.
મળેલી માહિતી પ્રમાણે જિલ્લાના વાઘોડિયા તાલુકાના માડોધર રોડ ઉપર ડો.એન. જી. સાર્વજનિક હાઇસ્કૂલની સામે રોડ ઉપર આવેલા લીમડાના ઝાડ પર ભમરીયા મધમાખીનો પૂડો હતો. આ ઝાડ ઉપર આવી પહોંચેલા કપિરાજે કૂદાકૂદ કરતાં મધુ માખીઓ વિફરી હતી. અને આ રોડ ઉપરથી પસાર થતાં લોકો પર હુમલો કર્યો હતો.
શાળા છૂટવાના સમયે મધુ માખીઓ ઉડતા વિદ્યાર્થીઓ અને બાળકોને લેવા માટે આવેલા વાલીઓએ મધુ માખીઓના હુમલાથી બચવા દોડધામ કરી મૂકી હતી. વિદ્યાર્થીઓ બાળકોને લઈ જવાની તૈયારી કરતા હતા તે સમયે મધુ માખીઓએ હાઇસ્કૂલના ગેટ પર ઉભેલા લોકો ઉપર હુમલો કરતા નાસભાગ મચી હતી. વિદ્યાર્થીઓ દોડીને શાળામાં ભરાઇ ગયા હતા.
બીજી તરફ રોડ ઉપર પસાર થતા લોકો પણ હુમલાનો ભોગ બન્યા હતા. એક વાહન ચાલક પર મધુ માખીના ઝુંડે આક્રમણ કરતાં મધુ માખીના ડંખોથી બચવા બૂમાબૂમ કરી મૂકી હતી. અને નજીકના ગટરના દૂષિત પાણીમાં યુવક ઉતરી શરીર ઉપર દુષિત પાણી નાંખી પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તો એક રાહદારી પાછળ મધુ માખી પાછળ પડતા યુવાને પોતાના કપડાં કાઢી અર્ધનગ્ન પરિસ્થિતિમાં આવી જઈ કપડાં વડે મધુ માખીને દૂર ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.
મળેલી માહિતી પ્રમાણે મધુ માખીઓથી બચવા માટે શાળામાં દોડી ગયેલા બાળકોને શાળા સંચાલકો દ્વારા સુરક્ષિત રીતે શાળાની બહાર કાઢવામાં આવ્યા હતા. મધુ માખીના ડંખનો ભોગ બનેલ 5 જેટલા વિદ્યાર્થીઓને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે સૌથી વધુ બે વ્યક્તિ મધુ માખીના ઝુંડનો શિકાર બનતા તેઓને ગંભીર સ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. મધુ માખીઓના આતંકના કારણે એક કલાક સુધી રોડ પર કર્યુ જેવો માહોલ પથરાઇ ગયો હતો. આ ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઇ હતી.