ઉપરવાસના વરસાદને પગલે નર્મદા ડેમના 10 દરવાજા 1.90 મીટર ખોલાયા, 25 ગામના લોકોને એલર્ટ કરાયાં

ઓમકારેશ્વર બંધમાંથી છોડાતા પાણીને કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો

MailVadodara.com - 10-gates-of-Narmada-Dam-opened-1-90-meters-following-torrential-rains-25-villages-alerted

- આપત્તિના સમયે 1077 નંબર પર સંપર્ક કરવા અપીલ

ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે સાંજના 4.30 કલાકે સરદાર સરોવર બંધનાં 10 દરવાજા 1.90 મિટર ખોલવામાં આવ્યા છે. જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં 1,70,000 ક્યુસેક પાણી વહેશે. જેના પગલે જિલ્લા પ્રશાસન દ્વારા વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના કુલ 25 ગામમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહી અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.


હાલમાં નદી તળ વિદ્યુત મથક (R.B.P.H)નાં 6 મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 1,70,000 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામનો સમાવેશ થાય છે.

નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના ઉક્ત 25 ગામોના નાગરિકોને નદીના પટમાં ન જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે 1077 નંબર ઉપર સંપર્ક કરી શકાય છે.

Share :

Leave a Comments